- 2022માં ગુજરાત વિધાનસભાની યોજાશે ચૂંટણી
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરો પર કર્યો પ્રહાર
- ગુજરાતમાં ભાજપ નેતા માત્ર મોદીના નામ પર ચુંટાય છે
અમદાવાદઃ ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેની તૈયારીઓમાં શાસક પક્ષ ભાજપ, વિરોધ પક્ષ કોંગ્રેસ અને સાથે જ બંનેને ટક્કર આપી શકે તેવા મહત્વના પક્ષ આમ આદમી પાર્ટીએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાતના ભાજપ (Gujarat BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે પાટણમાં ભાજપ નેતાઓને ટકોર કરી છે. સી.આર.પાટીલે પાટણ ખાતેની સભામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં ભાજપના ચૂંટાયેલા નેતાઓ અને કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, ભાજપના એકપણ નેતામાં ચૂંટણી જીતવાની તાકાત નથી, તમે આજ સુધી માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા અને નામ પર જ ચૂંટાઇને આવ્યા છે. ગુજરાત ભાજપ (Gujarat BJP) માત્ર મોદીની લોકપ્રિયતાની કારણે ચૂંટાયા છે. હવે તમે તમારા કામ અને મહેનતના જોરે ચૂંટાયને બતાવો.
પાટીલના નિવેદનથી સર્જાયા તર્ક-વિતર્ક
સી.આર.પાટીલ(C.R.Patil) ના આ વિધાન “ગુજરાત ભાજપના નેતાઓ માત્ર નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટાઇ આવે છે”, જેનાથી ઘણા તર્ક-વિતર્ક સર્જાયા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, ગુજરાતમાં સતત ચાર વખત નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા. ભાજપ પણ અહીં 27 વર્ષથી શાસન ભોગવી રહ્યું છે. ગુજરાતમાં અને અહીંની જનતાના દિલમાં સૌથી વધારે રાજ કરનારા મુખ્ય પ્રધાન તરીકે માત્ર નરેન્દ્ર મોદી જ છે. તેમને તેમના મુખ્યપ્રધાન તરીકેના શાસનકાળમાં અનેક યોજનાઓ બનાવી અને વહીવટ પર અસરકારક અંકુશ રાખ્યો હતો. તેને લઈને જ અને તેમના નામથી જ ગુજરાતની જનતાએ ભાજપને વોટ આપ્યા છે. તેમના દિલ્હી જતાની સાથે જ 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર સમેટાઇ ગયુ હતુ.
ભાજપ નેતાઓમાં સ્વબળે ચુંટણી જીત્યા હોવાનો ભ્રમ
રામના નામે જેમ પથ્થર તરે તેમ ભાજપના કેટલાક નેતાઓએ તો ઠીક પરંતુ કોર્પોરેટર કક્ષાના અને કાર્યકરો પણ જાણે સ્વબળે ચૂંટણી જીત્યા હોય તેવો ભ્રમ રાખી ફરતા હોય છે. કોરોના કાળમાં અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ ભાજપના કાર્યકરોએ અને નેતાઓએ કોઈ મહત્ત્વના કામ કર્યા નથી, તે સી.આર.પાટીલ પણ જાણે છે અને આ હવામાં રહેતા કાર્યકરોની અગાઉ પણ પાટીલે ફીરકી લીધી હતી. ત્યારે પાટણ ખાતે આવા ભાજપ નેતા, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ પર પ્રહાર કર્યો હતો.
2024ની કેન્દ્રની ચૂંટણીઓ માટે યોગીને કરાઈ રહ્યા છે પ્રમોટ
છેલ્લા કેટલાક સમયથી 2024ની કેન્દ્રની ચૂંટણીઓ માટે પણ ઉત્તર પ્રદેશ ભાજપ દ્વારા યોગી આદિત્યનાથનું નામ વડાપ્રધાન પદ માટે આગળ ધરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ 2022ની ચૂંટણીઓમાં પણ નેતાઓને સ્વબળે આગળ આવવાની વાતને લઈને ભાજપના વિચારો સ્પષ્ટ રીતે બીજી કેડર ઉભી કરવાનો છે. કારણકે, ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાયનો ચેહરો શોધવો મુશ્કેલ છે.
સી.આર.પાટીલની સ્પષ્ટતા
જો કે સોમવારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશની મળેલી કાર્યકારિણીની બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્પષ્ટતા કરી હતી કે, 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આગેવાની નીચે ચુંટણી લડશે. પરંતુ ચૂંટાયેલા નેતાઓ અને કાર્યકરો ઘરની બહાર ન નીકળતા હોવાથી પાટીલે પાટણ ખાતે ટિપ્પણી કરી હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ક્યાંથી આવ્યા? પાટીલે કહ્યું- મિત્રો પાસેથી અને સંઘવીએ કહ્યું- યુપી, બિહારથી...
કોરોનાની બીજી લહેરમાં સુરતમાં કોરોના દર્રીઓને રેમીડેસીવીર ઈન્જેકશનના વિતરણ બાબતે પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ (C.R.Patil) વિવાદમાં આવ્યા હતા. નોંધનીય છે કે, તેની બાદ તેમનું નિવેદન પણ આવ્યું હતું કે તેમણે આ ઇન્જેકશનની વ્યવવસ્થા જાતે કરી હતી.