અમદાવાદઃ કોરોના વાઇરસ મહામારીને લઇને પરીક્ષા બાબતે અનેક પ્રકારના વિવાદો અને ચર્ચા વિચારણા બાદ આખરે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 21 ઑગસ્ટથી યોજાશે, જે બે તબક્કામાં રહેશે. 31 ઑગસ્ટથી દ્વિતીય તબક્કાની પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષાઓ માટે સવારે 10થી 12 અને બપોરે 3થી સાંજના 5 એમ બે તબક્કાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
ઓફલાઇન પરીક્ષાની ચોઈસ ફીલિંગને ધ્યાને રાખીને વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્રની પસંદગી મુજબ શક્ય હોય ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર સિવાયના ગુજરાતના અન્ય સ્થળોએ પણ પરીક્ષા કેન્દ્રોનું આયોજન કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ પસંદગી કરેલા કેન્દ્ર આપ્યા નથી તેમની પરીક્ષા રાબેતા મુજબના કેન્દ્ર પર લેવામાં આવશે. તમામ ફેકલ્ટીમાં પરીક્ષાનો સમય જે 2.30 કલાક હતો તે ઘટાડીને 2.00 કલાકનો કરવામાં આવ્યો છે.
સ્થાનિક તેમજ રાજ્યની બહાર વિદેશમાં વસતા કોઈપણ વિદ્યાર્થીઓ આ ઓફલાઈન પરીક્ષામાં બેસવા માંગતા ન હોય તો તેમના માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા પણ યોજવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓએ અલગથી મંજૂરી મેળવવાની રહેશે. આ અંગેની ચોઈસ ફીલિંગનો કાર્યક્રમ તથા પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ બાદમાં જાહેર કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા યુનિવર્સિટીના સોફ્ટવેર માધ્યમથી Multiple Choice Questions ( MCQs )થી લેવામાં આવશે. જેનો ગુણભાર ઓફલાઈન પરીક્ષા જેટલો જ રાખવામાં આવ્યો છે.