- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આગામી ત્રણેય T-20 મેચ દર્શકો વગર રમાશે
- ગુજરાત ક્રિકેટ એસોસિએશનને કર્યો નિર્ણય
- કોરોના સંક્રમણને લઈ લેવાયો નિર્ણય
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં ખાસ કરીને કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ 08 વોર્ડમાં રાત્રીના 10 કલાક પછી રેસ્ટોરન્ટ સહિતની દુકાનો બંધ કરવાની જાહેરાત કરી દેવાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T-20 સીરીઝ ચાલી રહી છે, ત્યારે કોરોના સંક્રમણને લઈને GCA(ગુજરાત ક્રિકેટ એસોસિએશન) દ્વારા તમામ T-20 મેચ દર્શકો વગર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભારત T20ની બીજી મેચમાં જીત્યું, ઈશાન કિશને ડેબ્યુ મેચમાં જ 56 રન ફટકાર્યા
દર્શકો વગર રમાશે મેચ
કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે આવા સમયે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમમાં ગુજરાત અને અન્ય રાજ્યના હજારો દર્શકો ભેગા થઈને મેચ જોતા હતા. તેમાં કેટલાક દર્શકો માસ્ક પણ પહેરતા ન હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનનો પણ ભંગ થતો હતો. જેને લઇને મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં સરકારની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. આખરે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી 03 ટી-20 મેચમાં દર્શકોને એન્ટ્રી મળશે નહીં. એટલે કોઈ પણ દર્શક સ્ટેડિયમ પર આવે નહીં. મેચ દર્શકો વગર જ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 16, 18 અને 20 તારીખે T-20 મેચ રમાવાના છે.
ટિકિટ રિફંડની ટૂંક સમયમાં કરાશે જાહેરાત
આ ઉપરાંત ધનરાજ નથવાણીએ એ પણ જાહેરાત કરી છે કે, જે દર્શકોએ ટિકિટ ખરીદી લીધી છે. તેમને રિફંડ આપવા માટેની પણ વ્યવસ્થા ટૂંક સમયમાં કરાશે. કોમ્પ્લીમેન્ટરી પાસવાળા દર્શકોએ પણ મેચ જોવા આવવું નહીં.