અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) શિડ્યુલ મુજબ ડિસેમ્બર 2022માં યોજાવાની છે. હા રૂપાણી સરકાર બદલાયા પછી એવું હતું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તામાં આવીને લોકહિત અને વિકાસના કામ કરીને પ્રજાના દિલ જીતી લે, ત્યાર પછી ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત કરાશે. પણ હવે જ્યારે યુપીની ચૂંટણી આવી છે, ત્યારે એમ કહેવાય છે કે યુપીની ચૂંટણીના પરિણામ પછી કેન્દ્ર સરકાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવી કે નહીં તે અંગે નિર્ણય કરશે.
કોરોનાની બીજી લહેરની ઈમેજ સુધારવા આખી સરકાર બદલી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર આવ્યા પછી પ્રજાની સરકાર હોય તેવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરાયો છે. કોરોનાની બીજી લહેર (Corona Second Wave In Gujarat)માં વિજય રૂપાણીની સરકાર યોગ્ય કામ કરી શકી નહોતી અને ભાજપ બદનામ થયું. તેમજ પ્રજા માનસમાં પણ રૂપાણી સરકાર પ્રત્યે નેગેટિવ ઈમેજ સર્જાઈ હતી. તે ઈમેજ સુધારવા માટે થઈને ભાજપ મોવડીમંડળે રૂપાણીની આખી સરકાર બદલી હતી. CM સહિત તમામ પ્રધાનો નવા આવ્યા અને હાલ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર ચાલી રહી છે. આ સત્તાપલટામાં એક કાંકરે 2 પક્ષી માર્યા જેવી વાત થઈ છે. એક તો સરકારની ઈમેજ બદલાવાનો પ્રયત્ન થયો અને બીજો પાટીદાર CM બન્યા. પાટીદારોના મત (Patidar Vote Bank In Gujarat) અંકે કરવા માટે ભૂપેન્દ્ર પટેલને CM બનાવ્યા.
ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો જંગ
હવે વાત કરીએ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022)ની 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2022 સુધી કુલ 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીનું પરિણામ (Uttar Pradesh Assembly Election Result) 10 માર્ચે આવશે. હાલ ચૂંટણી પ્રચાર વેગવાન છે. ભારતીય જનતા પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો જંગ છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ પ્રચારમાં છે, પણ જોઈએ તેટલી સક્રિયતા નથી. તેમ છતાં માયાવતી 2022માં સરકાર બનાવશે તેવા દાવા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, CM યોગી આદિત્યનાથ અને અમિત શાહ ઉત્તરપ્રદેશમાં રેલીઓ કરી રહ્યા છે. હિંદુત્વવાદી અને સુરક્ષાના મુદ્દાને લઈને ભાજપ ચૂંટણીના મેદાનમાં છે. હવે ભાજપને કેટલી સફળતા મળે છે, તેની ખબર 10 માર્ચે પડશે.
યુપીમાં જંગી બહુમતીથી ભાજપ જીતશે તો…
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કુલ 403 બેઠકો (uttar pradesh assembly seats) છે, જેમાં સ્પષ્ટ બહુમતી માટે 202 બેઠકો જોઈએ છે. યુપી ચૂંટણીના પરિણામમાં ભાજપને જો સ્પષ્ટ બહુમતી કરતાં વધુ બેઠકો મળે તો તે ભાજપના વેવને ધ્યાને રાખીને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આપી દેશે એક ચર્ચા એવી છે. બીજી ચર્ચા એવી પણ છે કે ગુજરાતમાં યુપીની ચૂંટણીના પરિણામને એનકેશ કરાશે. હિંદુત્વવાદી મુદ્દો ચાલ્યો છે તે સાબિત થશે અને ગુજરાતમાં પણ આ મુદ્દાને વધુ હાઈટલાઈટ્સ કરાશે. મોદીની છબી હિંદુ નેતાની જ છે, પણ યુપીની ચૂંટણીના પરિણામ અને ગુજરાતની ચૂંટણી સાથે સંબંધ છે. તેનો લાભ લેવા માટે ભાજપ મોવડીમંડળ કમર કસશે.
યુપીમાં જંગી બહુમતી ન મળી તો…
બીજી તરફ જો યુપીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી જેટલી જ બેઠકો મળશે તો ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી આવે. ગુજરાતમાં ભાજપ વેવ ઉભો કરશે. જો કે હાલ ગુજરાતમાં કોંગ્રેસ (Congress In Gujarat)માં ભારોભાર અસંતોષ છે અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party In Gujarat) તૂટી છે. કેટલાય પ્રથમ હરોળના નેતાઓ આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરવી પડશે. તો જ ટક્કર આપી શકશે.
વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલાનો મત
વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલાએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે, UPમાં ચાલી રહેલી ચૂંટણી અને ગુજરાતમાં આવનારી ચૂંટણી પર કોઈ સીધી અસર જોવા મળશે નહીં. યુપીમાં ભાજપ કોઈપણ પ્રકારે ચૂંટણી જીતવાની કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ યુપીમાં જાતીય સમીકરણ અને ગુજરાતના જાતીય સમીકરણો તમામ અલગ પ્રકારના રહેલા છે. ગુજરાત રાજ્ય હિંદુત્વની લેબોરેટરી છે. ગુજરાતના અને યુપીના મતદાતાઓમાં વિભિન્નતાઓ રહેલી છે. યુપીમાં જાતિવાદ (Casteism in Uttar Pradesh) ખૂબ જ અસર કરી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં જાતિવાદ (Casteism in Gujarat) ચૂંટણીમાં જોઈએ તેટલું અસર કરતું નથી. પરંતુ જો UPમાં ભાજપની બેઠક ઓછી થાય છે અથવા સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર છે. તો રાજકીય રીતે ગુજરાત પર તેની અસર જોવા મળી શકે છે, પરંતુ હાલના તબક્કે ગુજરાતમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે . જેથી UP ચૂંટણીની સીધી અસર હાલ ગુજરાત પર જોવા મળતી નથી.
ઊંઝા બેઠક ખાલી હોવાથી પણ ચૂંટણી વહેલી થઈ શકે છે - રાજકીય વિશ્લેષક
તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં હાલ એક એવી સંભાવના જોવા મળી રહી છે કે ગુજરાતમાં ચૂંટણી વહેલી થઈ શકે છે . કારણ કે બીજી તરફ ઊંઝાના ધારાસભ્ય સ્વ આશાબેન પટેલનું નિધન થતા તે બેઠક હાલ ખાલી છે . જેથી ચૂંટણી આયોગના નિયમો પ્રમાણે 6 મહિનામાં પેટાચૂંટણી કરવી જરૂરી હોય છે . જો કે હાલ ચૂંટણી આયોગે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી, જેથી માર્ચ અંત સુધી જો પેટાચૂંટણી નથી થતી તો એક શકયતા રહેલી છે કે ગુજરાતમાં ચૂંટણી વહેલી યોજાઈ શકે છે.
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈનો મત
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે, UP અને અન્ય 5 રાજ્યોની ચૂંટણીની અસર ગુજરાત પર થવાની છે. કારણકે ગુજરાત રાજ્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું હોમ ટાઉન રાજ્ય છે. UP ઇલેક્શનની અસર ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ 2024 લોકસભાની ચૂંટણીમાં પણ થશે, જેથી UPમાં ભાજપને સ્પષ્ટ બહુમત ન મળે પરંતુ સરકાર બનાવવી ખુબ જ અનિવાર્ય છે. કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી 2024 લોકસભાની ચૂંટણી જીતવાની છે. હાલ UPમાં જે પ્રકારે માહોલ છે, 7 ચરણમાં ધીમે ધીમે જે રીતે આગળ વધી રહ્યા છે . જેનાથી લખનૌમાં ભાજપની સરકાર આરૂઢ થાય તેવી શકયતા રહેલી છે . જેનાથી ગુજરાતમાં ચૂંટણી તરત કરાવી લેશે. કારણ કે ગુજરાત PM નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું હોમ ટાઉન છે, જેનાથી ચૂંટણી એક પ્રતિષ્ઠાનો સવાલ પણ થઈ જાય છે. જો UPમાં ભાજપ જીતે તો હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી કરાવી શકે છે. કારણ કે, તેઓને ત્યારબાદ ડિસેમ્બર સુધી રાહ જોવાની શક્યતા લાગતી નથી. તો બીજી તરફ 2024ની તૈયારી ભાજપ હાલ કરી જ રહ્યું છે, જેથી UPનું ઇલેક્શન દેશ માટે અને દેશના ભાવિ ઇલેક્શન માટે ખુબ જ મહત્વનું રહેલું છે.