અમદાવાદ: ભાજપની રાષ્ટ્રીય સંસદીય સમિતિ (bjp national parliamentary committee)ની બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 બાબતો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓમાં સાંસદોના પુત્ર-પુત્રી કે પરિવારજનોને ટિકિટ આપવામાં નહીં આવે તે અંગે પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કરી રાજનીતિમાંથી પરિવારવાદને ખતમ કરવાની લડાઇને અંત સુધી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)આવી રહી છે જેને લઈને ભાજપ પરિવારજનોને ટિકિટ નહીં આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
નેતાઓના પરિવારના સભ્યોને નહીં મળે ટિકિટ!- ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગયા વર્ષે (gujarat local body elections 2021) યોજાયેલી ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગી વખતે 3 નિયમો જાહેર કરી અનેક ચાલું કોર્પોરેટરો સભ્યોના પત્તા કાપી નાંખ્યા હતા. ત્યારે આ વખતે વિધાનસભાના ઉમેદવારોની પસંદગી પહેલાં ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેસરથી પરિવારજનોને ટિકિટ નહીં આપવાના સંકેતોને વધુ સ્પષ્ટ કરતાં અમદાવાદ સહિત રાજ્યની અનેક બેઠક પર પોતાની ટિકિટ (BJP Ticket Gujarat Assembly Election 2022) નહીં મળે તો પોતાના પરિવારના સભ્યોને ટિકિટ માટે થઈને લોબિંગ કરવાના મનસૂબા ઘડી રહેલા નેતાઓની મનની મનમાં રહી જાય એવી સ્થિતિ સર્જાઈ છે.
ભાજપ યુવાનોને વિધાનસભા ચૂંટણીમાં આપી શકે છે તક- જો કે ભારતીય જનતા પાર્ટી આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને ટિકિટ ફાળવણી જેવા મહત્વના નિર્ણયોમાં પણ કેટલાક માપદંડ જાહેર કરી શકે છે. ભાજપ સંગઠન અને સરકારના વરિષ્ઠ નેતા વચ્ચે ચર્ચા ચાલી રહી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે પાટીલ અને તેમની ટીમ આગળ કામ કરી રહી છે. એમાં ભાજપમાં યુવાઓને વધુને વધુ તક મળે એ માટે અનેક નવી ફોર્મ્યુલા લાવવાના પ્રયાસો કરી રહી છે. વિધાનસભામાં 3 ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્યોને ટિકિટ ન આપવી, પરંતુ જે ધારાસભ્યોનું પરફોર્મન્સ સારું હશે તેને અપવાદ ગણીને ટિકિટ આપવી જોઈએ તેવી રણનીતિ છે.
ભાજપ આખી કેબિનેટ બદલી શકે છે- રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કઈ ફોર્મ્યુલા સાથે ટિકિટ વહેંચણી કરે છે તે હાલ કહેવું મુશ્કેલ છે. પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે ભાજપ આખી કેબિનેટ બદલીને નવી કેબિનેટ અને નવા પ્રધાનો લાવી શકે છે તો ચોક્કસ નવા ઉમેદવારોની પસંદગી થઇ શકે છે. આ પ્રકારના પ્રયોગો થતા રહેતા હોય છે, જ્યારે 27 વર્ષથી વધુ સમય સત્તામાં હોય ત્યારે એકના એક ચહેરાઓને રિપિટ કરવા (no repeat theory bjp gujarat) તેની જગ્યાએ આ પ્રકારનો પ્રયોગ કરવો ખૂબ જરૂરી છે. હાલ ભાજપ સ્ટ્રોંગ સ્થિતિમાં જોવા મળી રહી છે.
AAPના મજબૂત થવાનો ફાયદો ભાજપને- તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં પણ કેન્દ્રિય નેતૃત્વમાં ક્યાંકને ક્યાંક સમસ્યાઓ ચાલી રહી છે. ગુજરાતમાંથી પણ કેટલાય લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી જેટલી મજબૂત થઈ રહી છે તેટલો જ ભાજપને ફાયદો થઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી સ્ટ્રોંગ જોવા મળી રહી છે તેથી જો તે કોઈપણ ઉમેદવારની ટિકિટ કાપી અને નવો ઉમેદવાર લાવે તો તેને ચોક્કસ ફાયદો થઈ શકે છે. ભાજપને કોઈપણ પ્રકારનું નુકસાન રહેલું હાલના તબક્કે જોવા મળતું નથી.
જૂના નેતાઓનું સમાજ અને ક્ષેત્ર પર સારું પ્રભુત્વ- રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ જણાવ્યું કે, ગુજરાતના કદાવર નેતાએ 2થી 3 દિવસ પહેલાં એક નિવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, જૂના જોગીઓ ખૂબ જ લાયકાત ધરાવતા હોય છે. તેમણે ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, જ્યારે જેટલો જૂનો દારૂ સારો માનવામાં આવે છે તેવી જ રીતે જૂના નેતાઓ રાજકારણના જાણીતા માનવામાં આવતા હોય છે. જેનો સીધો ફાયદો પક્ષને થતો હોય છે. રાજકારણમાં જેટલો અનુભવી અને જેટલો જૂનો નેતા રહેલો હોય છે તેનું સમાજ પર અને પોતાના મત ક્ષેત્ર પર ખૂબ જ પ્રભુત્વ રહેલું હોય છે અને રાજકારણથી જાણીતો પણ માનવામાં આવે છે.
સિનિયર નેતાઓની ટિકિટ ભાજપ ટર્મ અને ઉંમરના આધારે કાપશે તો થશે નુકસાન- ભારતીય જનતા પાર્ટીની જ્યારે વાત છે ત્યારે ભાજપ વિચારધારાઓથી ચૂંટણી જીતતી આવી રહી છે. જેમાં કોઈ વ્યક્તિત્વનો એટલો પ્રભાવ રહેલો નથી સિવાય માત્ર નરેન્દ્ર મોદી. હાલના તબક્કે એક કે 2 નેતા એવા રહેલા છે કે, ભાજપને હાલ તેમની જરૂર છે. જેમાં એક નીતિન પટેલને જ લઈ લ્યો, જેઓ 4-5 ટર્મથી જીતતા આવી રહ્યા છે. જેમની સાથે એડમિનિસ્ટ્રેશનનો બહોળો અનુભવ રહેલો છે. જેઓ જમીની હકીકતથી ખુબજ વાકેફ છે.
નીતિન પટેલને રાજકારણમાં એક્ટિવ રાખશે ભાજપ?- તેમણે કહ્યું કે, ભાજપ જો ટર્મ અને ઉંમર ધ્યાને લઇ આવા નેતાઓને કાપે તો ભાજપને ચોક્કસ નુકસાન થઇ શકે છે. બીજી તરફ જયેશ રાદડિયાની ટિકિટ કાપે તો લેઉવા પટેલ વિસ્તારમાં ભાજપને નુકસાન થઈ જ શકે છે. જેથી ભાજપને આ ફોર્મ્યુલા નુકસાન કરી શકે છે, પરંતુ જો નીતિન પટેલને ટિકિટ ન આપે તો તેમની દીકરી અથવા તેમના દીકરાને ટિકિટ આપી ક્યાંક નીતિન પટેલને રાજકારણમાં એક્ટિવ રાખી શકે છે.