- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજ્યંતી
- શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાન સમિતિની રચના કરાશે
- 12 સભ્યોની રાજ્યકક્ષાની સમિતિની રચના કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજ્યંતીના ચાલુ વર્ષને રાષ્ટ્રીય શાયરના ગૌરવ અને સન્માનને ઊજાગર કરતી રાજ્યકક્ષાની ઉજવણી તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને આ હેતુસર વિવિધ કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન અને માર્ગદર્શન માટે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને 12 સભ્યોની સમિતિની રચના કરી છે.
ઐતિહાસિક નિર્ણય બદલ ગુજરાત રાજ્ય સરકારનો આભાર માન્યો
રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજ્યંતી આગામી 28 ઓગસ્ટ, 2021ના રોજ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકી મેઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીના ઐતિહાસિક નિર્ણય બદલ ગુજરાત રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
આ નિર્ણયથી ગુજરાતીઓમાં આનંદની લાગણી
આ ઐતિહાસિક નિર્ણય બદલ વિશ્વભરમાં વસતાં કરોડો ગુજરાતીઓ પણ સવિશેષ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન કાર્ય સાહિત્યથી નવી પેઢી પરિચિત અને પ્રેરિત થશે. આ સાથે રાષ્ટ્ર-ભાવના અને જીવન મૂલ્યોનું સંસ્કાર-સિંચન થશે.
કેવા કાર્યક્રમો થશે?
ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે ચિત્ર સ્પર્ધા, શૌર્યગીત સ્પર્ધા, લોકવાર્તા સ્પર્ધા, મેઘાણીના પુસ્તકોનું ઓનલાઇન વેચાણ અને અન્ય ભાષામાં રૂપાંતરણ જેવા અનેક આયોજનો થશે.