● ઈસ્કોન મંદિરમાં નવા વર્ષે ઉજવાયો ગોવર્ધન મહોત્સવ
● 108 કિલો શીરો, 108 કિલો ફળ, 108 કિલો ફરસાણનો ભોગ ધરાયો
● ભક્તોએ મોટી સંખ્યામાં લીધો દર્શનનો લાભ
અમદાવાદ: નવા વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં 108 કિલોગ્રામના ચોખ્ખા ઘીના શીરાથી ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે સાત વર્ષના હતા, ત્યારે ગોકુળમાં ઈન્દ્ર દ્વારા મુશળધાર વરસાદ વરસાવવામાં આવ્યો હતો. ઇન્દ્રના પ્રકોપથી ગોકુળવાસીઓને બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ સતત સાત દિવસ ગોવર્ધન પર્વત ઉંચકી રાખ્યો હતો. જેના ઉપલક્ષ્યમાં આખા વિશ્વમાં જેટલા પણ ઇસ્કોન મંદિર છે, ત્યાં ગોવર્ધનપૂજા અન્નકૂટ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
● ભગવાનને નવા વસ્ત્રો અને અલંકારો ધરાવવામાં આવ્યા
ગોવર્ધન પર્વતમાં 108 કિલોગ્રામના ચોખ્ખા ઘી નો શીરો, 108 કિલોગ્રામ ડ્રાયફ્રુટ, 108 કિલોગ્રામ ફ્રુટ અને ફરસાણ ધરાવવામાં આવ્યા હતા. સાથે 400થી વધારે વાનગીઓનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભગવાનને નવા વસ્ત્રો અને અલંકારો ધારણ કરાયા હતા.
● પર્વત બનાવવાની તૈયારી આગલી રાત્રે શરૂ થઈ જાય છે
ગોવર્ધન પર્વત બનાવવાની તૈયારી આગલી રાત્રિથી શરૂ થઈ ગઈ હતી. સવારે 04:30 વાગ્યાથી મંગળા આરતીથી નવા વર્ષનો સમગ્ર કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. આ પ્રસંગે વિશિષ્ટ પૂજા પણ કરવામાં આવી હતી. જો કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા વધુ લોકો એકસાથે મંદિર પરિસરમાં એકત્ર થાય નહીં તેવી સાવચેતી રાખવામાં આવી હતી.
● તમામ પ્રસાદી ભક્તોમાં વિતરિત કરાશે
ભગવાન શ્રીકૃષ્ણનો બપોરે 11:30 વાગ્યે અભિષેક કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રસાદી ભક્તોમાં વિતરીત કરવામાં આવશે, તેમ મંદિરના પ્રવક્તા વિષ્ણુ જગદીશદાસજીએ જણાવ્યું હતું.