ન્યૂઝ ડેસ્ક: ભારત સરકાર દ્વારા સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022ની જાહેરાત (GIDM Nominated For Aapda Prabandhan Puraskar 2022) કરવામાં આવી છે. આ વર્ષે સંસ્થાકીય શ્રેણીમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) અને વ્યક્તિગત શ્રેણીમાં પ્રોફેસર વિનોદ શર્માને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તેમના શ્રેષ્ઠ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા છે.
GIDMને સંસ્થાકીય શ્રેણીમાં મળશે પુરસ્કાર
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) 2012માં સ્થપાયું હતું. GIDM રાજ્યની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) ક્ષમતા વધારવા માટે કામ કરી રહ્યું છે. GIDMએ 12,000થી વધુ વ્યાવસાયિકોને મહામારી દરમિયાન જોખમની પરિસ્થિતિ સામે લડવા સહિતના વિવિધ મુદ્દાઓ પર તાલીમ આપી છે. તાજેતરની કેટલીક પહેલોમાં યુઝર-ફ્રેન્ડલી ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલનો વિકાસ અને સંકલિત રોગ સર્વેલન્સ પ્રોજેક્ટના કોવિડ-19 સર્વેલન્સ પ્રયાસોને પૂરક બનાવવા મોબાઇલ એપ ટેક્નોલોજી આધારિત એડવાન્સ કોવિડ-19 સિન્ડ્રોમિક સર્વેલન્સ (ACSyS) સિસ્ટમનો વિકાસનો પણ સમાવેશ થાય છે.
વ્યક્તિગત શ્રેણીમાં પ્રોફેસર વિનોદ શર્માને મળશે પુરસ્કાર
પ્રોફેસર વિનોદ શર્મા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ પ્રોફેસર અને સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ-ચેરમેન, નેશનલ સેન્ટર ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્થાપક કો-ઓર્ડિનેટર હતા, જે હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM) તરીકે ઓળખાય છે. તેમણે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનને (DRR) રાષ્ટ્રીય કાર્યસૂચિમાં ઉપર લાવવા માટે અથાક મહેનત કરી છે. ભારતમાં DRRમાં તેમના અગ્રણી કાર્યને કારણે તેમને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી અને તેઓ આપત્તિ વ્યવસ્થાપન માટે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) અને તમામ વહીવટી તાલીમ સંસ્થાઓ (ATIs) માટે આધારશીલ વ્યક્તિ છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ તરીકે તેમણે DRRના અમલીકરણમાં સિક્કિમને એક મોડેલ રાજ્ય બનાવ્યું છે, જ્યારે પંચાયત સ્તરની સજ્જતાની યોજનાઓ શરૂ કરી છે, આબોહવા પરિવર્તન અને DRRને જોડે છે.
શાં માટે આપવામાં આવે છે પુરસ્કાર ?
આપત્તિ વ્યવસ્થાપક ક્ષેત્રે ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને ઓળખવા અને સન્માન આપવા માટે ભારત સરકારે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર તરીકે ઓળખાતા વાર્ષિક પુરસ્કારની સ્થાપના કરી છે. આ પુરસ્કાર દર વર્ષે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 23મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે છે. આ પુરસ્કારમાં સંસ્થાને (Institutional category) રૂપિયા 51 લાખ રોકડ અને પ્રમાણપત્ર અને વ્યક્તિને (Individual category) રૂપિયા 5 લાખ રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
વડાપ્રધાન દ્વારા એવોર્ડ એનાયત કરાશે
આ વર્ષે પુરસ્કાર માટે 1લી જુલાઈ 2021 પછી નામો મંગાવવામાં આવ્યા હતા. વર્ષ 2022 માટેની એવોર્ડ યોજના પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવી હતી. એવોર્ડ યોજનાના પ્રતિભાવરૂપે સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી 243 માન્ય નામો પ્રાપ્ત થયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે રવિવારે સાંજે આયોજિત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2019, 2020 અને 2021ના પુરસ્કાર વિજેતાઓની સાથે તેઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ પણ વાંચો: 125th birth anniversary of Netaji: વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટ પર કરશે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું ઉદ્ઘાટન
આ પણ વાંચો: Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના અધધધ...23 હજારથી પણ વધુ કેસ નોંધાયા, 15 લોકોના મોત