- રાજકારણની ધરી પર પ્રચારની રણનીતિનું વજન
- ગુજરાતના મહારથી નેતાઓની લોકસંપર્ક શૈલીનું આચમન
- લોકો દ્વારા ચૂંટાઈ આવવા માટે જરુરી છે પ્રભાવી પ્રચારશૈલી
અમદાવાદઃ ભારતની પશ્ચિમે આવેલું આ રાજ્ય 2011ની વસતી ગણતરી પ્રમાણે 6 કરોડ, ચાર લાખ, ઓગણચાલીસ હજાર છસ્સો બાણું વ્યક્તિઓની હાજરી ધરાવનાર રાજ્ય છે અને વસતીના પ્રમાણમાં દેશમાં 10માં નબરે છે. 1960ની પહેલી મેએ આ રાજ્ય અમલમાં આવ્યું હતું અને તેના પ્રથમ મુખ્યપ્રધાન હતાં ડૉક્ટર જીવરાજ મહેતા જેમના નામે આજે પણ ઘણી સંસ્થાઓના પાટીયાં તમે વાંચતાં હશો. દેશના ઉગમકાળથી લઇને સીધાસટ કોંગ્રેસના શાસનના સમયથી ગુજરાત એક શાંતિપ્રિય અને વેપારવણજ ધરાવતું, ઉદ્યોગોની જરુરિયાત સમજતું, પરદેશમાં મોટી સંખ્યામાં ફરવા જનારા લોકોના રાજ્ય તરીકે સારી એવી શાખ ધરાવતું રહ્યું હતું.
પ્રારંભે આટલું જાણીને આપણે વિષયપ્રવેશ કરીએ. ગુજરાતમાં 1960થી લઇને 1995 સુધી લાગલગાટ કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જયારે માર્ચ 1995થી ઓક્ટોબર 1995 સુધી અને માર્ચ 1998થી લાગલગાટ ભારતીય જનતા પક્ષ સત્તાના સૂત્રો સંભાળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન બંને મુખ્ય પક્ષ, કોંગ્રેસ અને ભાજપ એમ બેયમાં જે નેતાઓએ દૂરોગામી અસરો મૂકી તેવા ચાર નામ તરત જ સામે તરી આવે છે. ગુજરાતના હોવા છતાં દિલ્હીમાં ગાંધી પરિવારના પોતીકાં બની શકેલાં અહેમદ પટેલ અને માધવસિંહ સોલંકી છે જેમની રણનીતિ અભ્યાસનો વિષય છે. તો ભાજપનો ગજ વગાડનાર કેશુભાઈ પટેલ અને બીજા છે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ ચારેયની રાજકીય રણનીતિ કેવી હતી, કે જેનાથી તેઓ ઉચ્ચ હોદા પર બિરાજમાન થયા.
- કોંગ્રેસના મહારથી માધવસિંહ સોલંકી
પક્ષને અત્યંત વફાદાર એવા માધવસિંહ સોલંકીનું તાજેતરમાં અવસાન થયું ત્યારે આપણે તેમને યાદ કર્યાં હતાં. અલબત્ત ગુજરાતના રાજકારણમાં તેમનો પ્રભાવ કેવો ગાઢ હતો તે વિશે નાનામોટાં તમામ માધ્યમોમાં પણ ઘણુંબધું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. માધવસિંહ સોલંકી પોતે એક પ્રબુદ્ધ વાચક હતાં અને દેશવિદેશથી જ્ઞાન અર્જિત કરેલું હતું. ગુજરાતી હોવાના નાતે લોકોની નાડ પારખવામાં એક નેતા તરીકે તેમણે પણ કાઢું કાઢેલું હતું. વાત તેમની પ્રચાર નીતિની કરીએ તો તેઓ જોરશોરથી પોતાના કામોને ગાઈવગાડીને જણાવતાં રહે તેવા એસર્ટિવ નેચરના નેતા ન હતાં. જોકે સોલંકી સરકાર શું કરી રહી છે તેની જાણ લોકોને થતી રહેતી હતી તે તેમના દ્વારા લેવાતા નિર્ણયોના પગલે થતી રહેતી હતી. ચૂંટણી સમય હોય ત્યારે એ જમાના પ્રમાણે લોકો સુધી પહોંચવા માટે જાહેરસભાઓ કરવી અને મોટી અખબારી સંસ્થાઓમાં ઇન્ટરવ્યૂ આપવા એ મુખ્ય ઓજાર રહેતાં હતાં. માધવસિંહ સોલંકી પણ તેનો ઉપયોગ કરતાં. જનસામાન્ય માણસ તેમને મળી શકતો ખરો, પણ જો તેઓ ઉપલબ્ધ હોય તો. ઘણુંખરું તેઓની દિશા દિલ્હી ભણી વધુ રહેતી હતી એટલે હાઈકમાન્ડ દ્વારા જે કોઇ નીતિ નક્કી થાય તેનું પાલન કરવામાં મચી પડતાં હતાં. સ્વભાવે ખૂબ શાલીન અને હૂંફાળા માધવસિંહ એ રીતે જોઇએ તો ફક્તને ફક્ત તેમની જ કહેવાય એવી એક જ રણનીતિના કારણે ગુજરાતના ચૂંટણીલક્ષી રાજકારણમાં સદાસર્વદા જગ્યા મેળવતાં રહેશે. તે છે ખામ થીયરીની રણનીતિ. KHAM ક્ષત્રિય હરિજન આદિવાસી અને મુસ્લિમ- આ ચાર જ્ઞાતિઓનું ધ્રુવીકરણ કરીને તેમણે સત્તા પ્રાપ્ત કરવામાં મોટી સફળતા મેળવી હતી. તેમની આ રણનીતિ એટલી હદે સફળ છે કે આજે દાયકાઓ વીત્યાં બાદ પણ ગુજરાતમાં સત્તા મેળવવાની રણનીતિઓની પાટ મંડાય ત્યારે જ્ઞાતિગત વોટબેંકના સોગઠાં ગોઠવ્યાં વિના કોઇને ચાલતું નથી. તો આ છે માધવસિંહ સોલંકીનું ગુજરાતમાં પ્રચારલક્ષી રાજકારણનું અમર પ્રદાન.
- કોંગ્રેસ એટલે કે ગાંધીપરિવારના વિશ્વાસુ અહેમદ પટેલ
ગુજરાતે આપેલા ઝીણા અને અહેમદ પટેલ બંને પોતીકા મુસ્લિમ. પાકાં ગુજરાતી એવા આ નેતાઓને તેમના સમયના ગુજરાતની જનતાએ ખૂબ વધાવ્યાં અને આવકાર્યાં હતાં. ઝીણાં પણ એવા કુશળ રણનીતિકાર તો રહ્યાં કે ભારતની જમીનના ભાગ પાડીને અલગ દેશ લઇ ગયાં. પણ આપણાં અહેમદ પટેલ એવા પ્રખર રાજનેતા બની રહ્યાં કે જેઓએ પડદાની પાછળ રહીને કોંગ્રેસને, ગાંધીપરિવારને સત્તાનો સવાદ અપાવ્યો હતો. અહેમદ પટેલે ક્યારેય ખુરશી પર બિરાજમાન થવાનો જોસ્સો દર્શાવ્યો હોય તેવો કોઇ જાહેર પ્રસંગ ગોત્યેય મળતો નથી. તેમ છતાં અહેમદ પટેલના નામનો સિક્કો કોંગ્રેસમાં પડતો એ કોઇ નકારી નહીં શકે. અહેમદ પટેલે આઠ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ત્રણ વખત એટલે કે 1977, 1980 અને 1984માં લોકસભાના સાંસદ બન્યાં અને પાંચ વખત એટલે કે, 1993, 1999, 2005, 2011 અને 2017માં રાજ્યસભાના સાંસદ રહ્યાં. 1976 માં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીથી લઇને 2017માં છેલ્લે જબરજસ્ત આટાપાટાવાળી બનેલી રાજ્યસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો ત્યાં સુધી તેમણે પડદા પાછળથી જ કામ કર્યે રાખ્યું હતું. પક્ષમાં તેમને મળનાર માણસ ફરીવાર ભૂલતો નહીં તેવી તેમની અસર રહેતી હતી. પોતાને હંમેશા પ્રચારથી દૂર રાખવામાં માનતાં અહેમદ પટેલ નિકટના કોંગ્રેસીજનો સિવાય અન્યો માટે અને એમ જ જનતા માટે પણ રહસ્યમય કોયડા જેવા બની રહ્યાં. જોકે પક્ષની પ્રચાર રણનીતિ ઘડવામાં તેઓ હંમેશા સક્રિય રહ્યાં અને કોંગ્રેસ કે ગાંધીપરિવારના ટ્રબલશૂટર બની રહ્યાં. બીજીબાજુ ભારતભરના કોંગ્રેસ કાર્યકર્તા હોય કે ધારાસભ્ય-સાંસદ તમામને તેઓ વ્યક્તિગત ઓળખતાં અને જોતજોતાંમાં ગમે તેવું અઘરું કામ કેમ ન હોય, તે પાર પાડનાર કુશળ સંગઠનકાર હતાં. લોજિસ્ટિક વ્યવસ્થા કરવી હોય, જેટ ગોઠવવાનું હોય કે કલાકોમાં લોકોને ભેગાં કરવાના હોય કે પછી નાણાં મેળવવાના હોય, બધે અહેમદ પટેલનો ગજ વાગતો તે નિઃશંક છે. આવી પ્રતિભા જમાવવા માટેની રણનીતિઓમાં તેઓ માહેર હતાં ત્યારે તો ગાંધીપરિવારના અને કોંગ્રેસ પ્રમુખોના સદૈવ નિકટના સાથી બની શક્યાં હોયને! ગુજરાત પરના તેમના પ્રભાવની સામે દિલ્હીમાં તેમનો દબદબો હંમેશા જળવાયેલો રહ્યો તે અહેમદ પટેલની સંપર્કનીતિની સફળતા જ ને....
- ભાજપને સત્તા સુધી લઈ જનારા કેશુભાઈ પટેલ
ત્રણેક માસ પહેલાં 29 ઓક્ટોબર 2020ના રોજ જ્યારે કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવ્યાં ત્યારે ગુજરાતની નવી પેઢીને જાણ થઈ કે ગુજરાતમાં ભાજપના ઘડવૈયા એવા આ ખરા અર્થના લોકનેતા હતાં. કેશુભાઈ પટેલ અને ભાજપની ચડતી આ બંને આપણે છૂટાં જ ન પાડી શકીએ એવા અવિનાભાવી સંબંધે જોડાયેલાં રહ્યાં છે. સામાન્ય પરિવારના, ખેડૂત પરિવારના કેશુભાઈ પટેલ વિશે એક અચંબો થાય કે તેઓ જે સમયમાં જન્મ્યાં અને મોટા થયાં એ સમયમાં સમગ્ર જનજીવન કોંગ્રેસથી પ્રભાવિત સમયગાળો રહ્યો છે. વળી સૌરાષ્ટ્ર પણ રાજકીય રીતે સક્રિય વિસ્તાર રહ્યો છે અને ગુજરાતને ઘણાં ખ્યાતનામ નેતાઓ આપ્યાં છે. પણ કેશુભાઈનું એમના જેવું નહી. કેશુભાઈ એમ કહી શકાય કે સીધા લોકસંપર્કના કડખેદ હતાં. સેવા તેમનું માધ્યમ હતી અને નિશાન પર સત્તા ન હતી એ તેમની લોકસંપર્ક-પ્રચારની વિલક્ષણતા હતી. વિસાવદર-રાજકોટમાં તેમની જાહેરજીવનની પ્રવૃત્તિ સડસડાટ ઊંચા ગ્રાફમાં નથી દોડી. તમે જૂઓ કેશુભાઈ પટેલ જનસંઘી કાર્યશૈલી શરુઆતથી લઇ છેક સુધી રહી હતી. તેમને કોઇપણ નાનામાં નાના માણસ સાથે સહજતાથી બોલતાંમળતાં જોઇ શકાતાં હતાં. સ્વયંસેવક તરીકે કામ શરુ કર્યું પછી નગરસેવક, ધારાસભ્ય, પ્રદેશપ્રમુખ વિપક્ષ નેતા, પ્રધાન, મુખ્ય પ્રધાન, સાંસદ...સત્તાની એક પછી એક સીડી ચડેલાં લોકનેતા તેમના ઉમદા વ્યક્તિત્વના કારણે લોકચાહના મેળવી શક્યાં હતાં. જોકે પ્રચાર રણનીતિમાં તેઓ ક્યાંક થાપ ખાઈ ગયાં હતાં કારણ કે તેમની સામે બળવો કરનારા અને પક્ષને ઊભો કરનાર નેતા તરીકેના સન્માનમાંથી પણ સાવ કોરાણે કરાવી દેનારા લોકો તેમના જ ખભે પગ મૂકીને ચડેલાં લોકો હતાં. ભલે પછી તે કોઇ પણ મોટી નામના મેળવનાર વ્યક્તિ કેમ ન હોય. ત્યારે તો શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈના નિધન બાદ અફસોસ જતાવવો પડ્યો હતો કે તેમના પતનનું નિમિત્ત હું બન્યો તેનો અફસોસ છે. તો, કેશુભાઈ પટેલ પ્રચારની રાજનીતિમાં સેટ થઈ શક્યાં નહી તે સત્ય હવે તો સમયે સિદ્ધ કરી આપેલું સત્ય બની ગયું છે.
- પહેલેથી છેલ્લે સુધી માર્કેટિંગના માણસ નરેન્દ્ર મોદી
ભાજપના કરિશ્માઈ નેતા અટલે નરેન્દ્ર મોદી એમાં કોઇને કોઇ જ શક આજે તો નથી. કેશુભાઇની જેમ જનસંઘમાંથી ભાજપમાં લવાયેલાં આ ગુજરાતી નેતા દિલ્હીની ગાદીએ બિરાજમાન થયા છે, અને દેશ પર હાલ શાસન કરતાં વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યાં છે. પાકાં ગુજરાતી નરેન્દ્ર મોદીનું પ્રચાર રણનીતિની વાત નીકળે ત્યારે સમગ્રતયા આકલન કરવાનો સમય ભલે ન પાક્યો હોય, પણ તેમણે અત્યાર સુધીમાં જેટલી અદાછટા પ્રચાર રણનીતિને લઇને દર્શાવી છે તેને ગુજરાત તો શું, કદાચ ભારતભરના હાલના નેતાઓમાંથી કોઇ આંબી શકે તેમ નથી. કામ કરવું અને એ કરેલાં કામનો કક્કો ઘૂંટાવવો- આ બંને રણનીતિની કુશળતાનું તેઓ પ્રતીક બની રહ્યાં છે. ઉપર જણાવ્યાં તે ત્રણેય નેતા અને મોદી વચ્ચે સૌથી મોટો ક્યો તફાવત આંખે ઊડીને વળગે? જૂઓ, તેમનો સફાઈદાર અને સમય સંજોગને ધારણ કરી રહેતો દેખાવ, તેમની સંબોધનકળા, તેમનું બૃહદ જ્ઞાનસભર અને સ્મૃતિસભર વકતવ્ય, લોકોને સહમત કરવાની તેમની ક્ષમતા, વિશ્વસ્તરે ભારતના પ્રતિનિધિ તરીકે પોતાને મૂકવાની રણનીતિ, સ્થગિત અને સ્થંભિત વિકાસને ગતિની ફૂંક મારવાની કાર્યશૈલી, સંગઠન પર આજે પણ મજબૂત પકડ, કયો કાર્યકર્તા કે કયો નેતા કયું કામ કરશે તેનો નિર્ણય પોતાના ખિસ્સામાં રાખવાની કુનેહ, એકલેહાથે સામા પક્ષ તરફથી થતી અપરંપાર ટીકાઓ અને આક્ષેપો, સતામણીને ઘોળી પીવાનું સામર્થ્ય, નિર્ધારિત લક્ષ્યમાંથી પાછા હટવાનું નામ ન હોય તેવી અડગતા એવી એકમૈવ શૈલીના રણીઘણી એટલે નરેન્દ્ર મોદી. તેમની રાજનીતિક સફરને સમગ્રપણે જોઇએ તો જણાશે કે તેઓ એજન્ડા નક્કી કરીને પોતાનું બધું જ તેમાં હોમ કરી દે છે. પરિસ્થિતિને પોતાના સાનુકૂળ કરી દેવાનું તેમનું ધૈર્ય અને ભરપુર આત્મવિશ્વાસ .મોદીને સ્વયં એક મહા પરિવેશમાં આદમ કદના માણસ બનાવી દે અને લોકોને તેમના કહ્યાં પર ભરોસો બેસે તે રીતે તેઓ કામ કરે છે એવું દેશવાસીઓ માને છે. આ જ છે સ્વયંસેવકથી લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનવા સુધીની રણનીતિની સફળતા! તેમના જેવા ટેકનોસેવી નેતા પણ ભારતીય નેતાઓમાં ભાગ્યે જ મળે. સોશિઅલ મીડિયા હોય કે જાહેર મીડિયા, તમામ પર પ્રભાવ રાખનાર આવા નેતાની છત્રછાયામાં હાલ ભારત વિકાસ ભણી નજર માંડીને બેઠું છે તેવી નોંધ દુનિયાભરમાં ફેલાઈ છે તે પણ મોદીની કુશળ પ્રચારનીતિની સફળતા છે.
રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલ અને જયવંત પંડ્યાએ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતના નેતાઓની રાજકારણ અંગે જો વાત કરીએ તો હંમેશા જ સૌથી મોટું યોગદાન રહેલું છે ગાંધી અને સરદાર પટેલને યાદ કરી શકીએ છીએ પરંતુ હાલના તબક્કામાં જે ચાર નામો ગણવામાં આવી રહ્યા છે જે ગુજરાતની રાજનીતિ ના સૌથી મોટા નામો છે જેમાં બે કોંગ્રેસ પાર્ટીના છે જ્યારે બીજા ભારતીય જનતા પાર્ટીના છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વોચ્ચ સત્તા પર બેઠેલા છે જ્યારે બીજા ત્રણ નેતાઓએ છે તેમને દેશમાંથી વિદાય આપી છે. એટલે કે તેમનું નિધન જરૂર થયું છે પરંતુ ગુજરાતની રાજનીતિમાં તેમનું ઘણું યોગદાન રહેલું છે જેમાં અહેમદ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંને એક એવાં નામો છે જેને ગુજરાતની રાજનીતિમાં અને રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણું યોગદાન રહેલું છે બાકીના બીજા બે નેતાઓ માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલ તેમનું ગુજરાતની રાજનીતિમાં ઘણો ફાળો રહેલો છે એક જ પરિવર્તન આવ્યું છે જેમાં બે એવા નામો આપણે લઈ શકીએ છીએ જેમાં માધવસિંહ સોલંકી વિધાનસભામાં સૌથી વધુ બેઠકો પર વિજય મેળવી ગુજરાતની સત્તા મેળવી હતી જેમાં ખામ "KHAM" થિયરી લાવી તેમને સત્તા મેળવી હતી. પરંતુ ગુજરાતમાં એક અનામત આંદોલન થયું અને બીજેપી સત્તામાં આવી ત્યારે માધવસિંહ સોલંકી નો યુગ પૂરો થયો અને કેશુભાઇ પટેલ નો યુગ શરૂ થયો હતો માધવસિંહ સોલંકીની વિદાય બાદ એમ જ પટેલ રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતા હતા. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને ખાસ એવો કોઈ ફાળો તેઓ આપી શક્યા ન હતા. તો બીજી તરફ કેશુભાઈ ને યાદ કરીએ તો માધવસિંહ સોલંકી ની વિદાય પછી કેશુભાઈ પટેલ સત્તા પર આવ્યા હતા. મુખ્ય પ્રધાન બન્યા બાદ કેશુભાઈ પટેલ સાથે ભાજપમાં આંતરિક વિવાદ થતાની સાથે જ કેશુભાઈ પટેલે મુખ્યપ્રધાન પદ છોડવું પડ્યું હતું અને ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતની કમાન સંભાળી હતી પરંતુ આજની તારીખમાં કેશુભાઈને યાદ કરવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ મુખ્ય પ્રધાન બન્યા પહેલાં પણ ચીમનભાઈની સાથે કેશુ બાપા નું ઘણું યોગદાન રહેલું હતું એમ જ પટેલ રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઘણું મહત્ત્વનું યોગદાન રહેલું છે. પરંતુ ગુજરાતની રાજનીતિમાં તેઓ જોઈએ તેવું કરી શક્યા ન હતા અને ત્યારે જ દેશમાં નવી રાજનીતિ આકાર લીધો હતો જેમાં ગુજરાતમાં પણ એક નવી રાજનીતિ આકાર લીધો હતો સત્તાની ખૂબ નજીક પહોંચેલા અહેમદ પટેલ હતા પરંતુ સત્તા મળેવી શક્યા ન હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ સત્તા મેળવી હતી. નરેન્દ્ર મોદી પોતાના વિશ્વાસ અને લોકપ્રિયતાના આધારે સત્તા મેળવી હતી જ્યારે એમ જ પટેલની લોકપ્રિયતા અને વિશ્વાસ એક કોંગ્રેસ પાર્ટી પ્રત્યે અને મોવડીમંડળ સુધી જ રહેલી હતી આ પ્રકારે ગુજરાતમાં બે મોટા નેતાઓ નું યોગદાન રહેલું છે જ્યારે બે નેતાઓ નું રાષ્ટ્રીય કક્ષાએ ઘણું યોગદાન રહેલું છે પરંતુ એક પક્ષમાં વધુ મહત્વ રહેલું હોય તો તે નરેન્દ્ર મોદી રહેલા છે રાષ્ટ્રીય રાજકારણમાં બીજેપી અને સત્તાના સૂત્રો માટે તેમની નેતાગીરી હાલના તબક્કામાં સાબિત થઇ રહી હોય તેમ કહી શકાય છે.
પારુલ રાવલ નો વિશેષ અહેવાલ અમદાવાદથી પાર્થ શાહના સહયોગ સાથે...