અમદાવાદઃ કોરોના સાથે અન્ય બીમારીની 100 દિવસ સુધી સારવાર લીધા બાદ સ્વસ્થ થતા કોંગ્રેસ નેતા પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ગુરૂવારે ડિસ્ચાર્જ થશે. જેને લઈ રાજીવ સાતવ સહિત નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ ધારાસભ્ય લાખા રબારી સહિતનાઓએ બુધવારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની મુલાકાત લઇ તેઓના ખબર અંતર પૂછ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી કોરોનાથી સંક્રમિત થયા હતા.100 દિવસની લાંબી લડત બાદ તેઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. ભરતસિંહ સોલંકીની તબિયત લથળતા તેમને એક સમયે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું. જો કે, ઘનિષ્ઠ સારવારના અંતે તેઓની તબિયત સુધરી હતી અને છેવટે 100 દિવસ પછી તેઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. તેઓ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ અને હવે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ હોઈ રાજકીય પ્રવૃત્તિઓમાં ગતિ પકડતા તેઓની મુલાકાતે આવનારા કોંગ્રેસીઓની સંખ્યા પણ હવે ઉત્તરોતર વધે તેમ મનાય છે.
ભરતસિંહને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓક્સિજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. જેથી તેઓને ઓક્સિજન આપવામાં આવ્યું હતું. તેઓની તબિયત બહુ નાજુક હતી, જેથી તેમને 90 ટકા ઓક્સિજન વેન્ટીલેટર થકી અપાઇ રહ્યુ હતું. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતા, પરંતું ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઓક્સિજનની જરૂરિયાત વધી હતી. ભરતસિંહને એક વાર પ્લાઝમાં થેરેપી પણ આપવામાં આવી છે અને રેમડિસીવીર ઈન્જેકશન પણ આપવામાં આવતા હતા.
ડોકટરનું કહેવુ છે કે, તેમની સાવાર સમયે ઘણી મેડિકલ સમસ્યાઓ સામે આવી હતી. જે સમસ્યાઓ સામે આવી તેના પરથી કોરોનાની સારવાર કરવા માટે ઘણુ અમને પણ શીખવા મળ્યુ છે અને જેથી હવે અન્ય કોરોના દર્દીઓને અમે હવે સારી રીતે ટ્રીટ કરી શકીશુ. ભરતસિંહની 100 દિવસની સારવારમાં ઘણા મેડિકલ ચેલેન્જીસ સામે આવ્યાં છે. ભરતસિહને જ્યારે સીમ્સમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે તેમની તબીયત વધારે ખરાબ હતી અને તેમના ફેફસામાં ઈન્ફેકશન સ્પ્રેડ થઈ ગયુ હતું. ત્યાર બાદ તેઓને બાયપેપનો સહારો આપવો પડ્યા હતો. જો કે, તેનાથી રીકવરીમાં આવતા આખરે તેમને 51 દિવસ વેન્ટીલેટર પર પણ રાખવામાં આવ્યા હતા. વેન્ટીલેટર પર રાખ્યા પછી પણ તેમનુ ઓક્સીજન લેવલ મેન્ટેન થતુ ન હતુ અને ફેફસા પણ વર્ક કરતા ન હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના લીધે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો અને નગરસેવકો કોરોના પોઝિટિવ થયા હતા. ભાજપના અભય ભારદ્વાજની પરિસ્થિતિ હજી સ્થિર છે.