- ભરતસિંહ સોલંકીની મુશ્કેલીમાં વધારો
- બહેન અલકા પટેલે વારસાઈ હક માંગ્યો
- વકીલ મારફતે નોટિસ અખબારમાં પ્રસિદ્ધ કરાઈ
અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો ગાંધીનગર સેકટર 19માં બંગલો છે, જેનો વિવાદ ઉભો થયો છે. માધવસિંહના પુત્રી અલકા પટેલે જાહેર ચેતવણી આપતી નોટિસ પાઠવી છે અને આ નોટિસ અખબારમાં પ્રસિદ્ધ પણ થઈ છે. ભરતસિંહ સોલંકીના બહેન અલકા પટેલે પિતા માધવસિંહના બંગલામાં વારસાઈનો હક માંગ્યો છે.
માધવસિંહ સોલંકીના બંગલાને વેચવાનો પ્રયાસ
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું જાન્યુઆરી, 2021ના રોજ અવસાન થયું હતું. તેમના અવસાન પછી ગાંધીનગર સેકટર 19માં ખાલી પડેલો બંગલો વિવાદમાં આવ્યો છે. પુત્રી અલકાબહેન પટેલે વકીલ મારફત અખબારમાં નોટિસ પ્રસિદ્ધ કરાવી છે અને વારસાઈ હક માંગ્યો છે અને કહ્યું છે કે, મારી જાણ બહાર આ બંગલાનો કોઈ વ્યક્તિ સોદો કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
મારો હક ડૂબાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે: અલકા પટેલ
અલકાબહેન પટેલના વકીલે નોટિસમાં લખ્યું છે કે પોતાનો હક ડૂબાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ગેરકાયદેસર છે. આ મકાનના ભરતસિંહ સોલંકી, અશોકભાઈ, અતુલભાઈ, વસુધાબહેન અને અલકા પટેલ ભોગવટો ધરાવે છે. જેથી અમોને પૂછ્યા વગર કોઈએ આ બંગલાના કરાર કરવા નહીં. કોઈ વ્યક્તિ આ બંગલો વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે મારી જાણમાં આવ્યું છે. જેથી આ નોટિસ દ્વારા હું જાહેર ચેતવણી આપુ છું કે પોતાની જાણ બહાર લખાણ, કરાર કે વ્યવહાર કરવો નહી. જો તેમ થશે તો અલકા પટેલ બંધનકર્તા રહેશે નહી. આ નોટિસ પરથી સ્પષ્ટ થાય છે કે બહેન અલકા પટેલે ભરતસિંહ સોલંકી પર આરોપ મુક્યો છે અને વારસાઈ હક માંગ્યો છે.
ભરતસિંહ અને પત્ની રેશ્મા પટેલ વચ્ચે હજી વિવાદ સમ્યો નથી
એક તરફ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો તેમના પત્ની રેશમા પટેલ સાથે મિલકત મામલે વિવાદ સામે આવ્યો હતો અને બન્નેએ એકબીજાને વકીલ મારફતે નોટિસ આપી છે. જે વિવાદ હજી સમ્યો નથી, ત્યાં ભરતસિંહના બહેન અલકા પટેલે પિતા માધવસિંહ સોલંકીના બંગલામાં વારસાઈ હક માંગ્યો છે. આમ ભરતસિંહની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.