- એકાદ મહિના પહેલા આપવામાં આવી હતી કોરોનાની સારવાર
- સંપૂર્ણ પરિવાર હતો કોરોના સંક્રમિત, માતાનું કોરોનાથી થયું હતું મોત
- મ્યુકોરમાઈકોસીસની સાથે સાથે કોરોના સામે લડવાની જરૂર
અમદાવાદઃ અમદાવાદમાં રાજ્યનો પ્રથમ એવો કેસ નોંધાયો છે કે, જેમાં બાળકને મ્યુકોરમાઈકોસીસ થયું હોય. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો હતો. હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા બાળકની સફળ સર્જરી કરવામાં આવી છે. ડોક્ટરોનું માનવું છે કે, રિકવરી આવ્યા બાદ તેને થોડા દિવસમાં રજા પણ આપી દેવામાં આવશે.
સાજા થયા બાદ ગણતરીના દિવસોમાં દેખાયા લક્ષણો
મ્યુકોરમાઈકોસીસના બાળ દર્દીની સારવાર સાથે સંકળાયેલા ડૉ.અભિષેક બંસલના જણાવ્યા પ્રમાણે, "બાળકનું સંપૂર્ણ પરિવાર કોરોના સંક્રમિત થયું હતું. જેમાં બાળકને 10 દિવસમાં કોરોનાની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. બાળકની માતાનું કોરોનાથી નિધન થયું હતું. બાળકને કોરોનાની અસર બાદ રિકવરીના થોડા જ દિવસોમાં મોઢામાં દાંત અને પેઢાના ભાગમાં દુઃખાવો થયો હતો. જેને લઇને ડોક્ટરોને શંકા જતા મ્યુકોરમાઈકોસીસના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તેને મ્યુકોરમાઈકોસીસનું નિદાન થયું હતું."
બાળકને મ્યુકોરમાઈકોસીસ થતા તમામ ધારણાઓ ખોટી
ડૉ. બંસલે વધુમાં જણાવ્યું હતું કે, "પહેલા એવું માનવામાં આવતું હતું કે, વધુ ઉંમર ધરાવતા કોરોનાના કો-મોર્બિડ દર્દીઓને જ મ્યુકોરમાઈકોસીસ થવાની શક્યતાઓ છે, પરંતુ અમદાવાદમાં બાળકને મ્યુકોરમાઈકોસીસ થતા તમામ ધારણાઓ ખોટી સાબિત થઈ છે. હવે તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. કોઈપણ વ્યક્તિને મ્યુકોરમાઈકોસીસ થઈ શકે છે. મ્યુકોરમાઈકોસીસથી બચવા માટેનો સૌથી મોટો રસ્તો કોરોનાથી બચવાનો છે. કારણ કે, હાલમાં જે દર્દીને કોરોના થાય છે, તેમને સારવાર દરમિયાન સ્ટીરોઈડ આપવામાં આવે છે. આ દર્દીઓને મ્યુકોરમાઈકોસીસ થવાની શક્યતાઓ સૌથી વધારે છે. ચોમાસામાં મ્યુકોરમાઈકોસીસના કેસમાં વધારો થશે, તે હાલમાં ન કહી શકાય. કારણે કે, ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય છે. મ્યુકોરમાઈકોસીસ એ એક ફંગલ ઇન્ફેકશન છે. ચોમાસામાં તેમાં વધારો થઈ શકે છે, પરંતુ હાલમાં કંઈ પણ કહી શકાય નહીં."
કોરોનાથી લડવું પણ એટલું જ જરૂરી
ડૉ. અભિષેક બંસલના જણાવ્યા પ્રમાણે, "મ્યુકોરમાઈકોસીસ એ એક સેકેન્ડરી ડિસીઝ છે અને કોરોનાએ એક પ્રાઈમરી ડિસીઝ છે. ત્યારે મ્યુકોરમાઈકોસીસથી બચવા માટે કોરોનાથી બચવું જરૂરી છે. સ્ટીરોઇડ અન્ય બીમારીઓમાં લાંબો સમય આપવામાં આવે છે. છતાં પણ મ્યુકોરમાઈકોસીસની અસર થતી નથી. કેટલાક કેસમાં બાળકોને બે-બે મહિના સુધી સ્ટીરોઇડ આપવામાં આવે છે, પરંતુ તેમને અસર થતી નથી. જો કોરોના થાય અને સારવારમાં તેમને સ્ટીરોઇડ આપવામાં આવે, તો મ્યુકોરમાઈકોસીસની અસર થવાની શક્યતા વધારે છે. લોકોએ મ્યુકોરમાઈકોસીસ સામે લડવા માટે કોરોના સામે લડવું જરૂરી છે. જેના માટે કોરોના વેક્સિન લેવી પણ ખૂબ જ જરૂરી છે."