- હની ટ્રેપ મામલે મહિલા PI ગીતા પઠાણની ધરપકડ કરાઇ
- અમદાવાદનાં વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતા
- POCSO અને દુષ્કર્મની કલમ દાખલ થશે તે પ્રકારે વેપારીઓને ડરાવી રૂપિયા પડાવતા
અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હનીટ્રેપ મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તત્કાલિન પૂર્વનાં મહિલા PI ગીતા પઠાણની ધરપકડ કરી છે. ગીતા પઠાણ પર હની ટ્રેપ ગેંગને મદદ કરવાના આરોપ હેઠળ આ કાર્યવાહી કરી છે. અમદાવાદનાં વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગનાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વેપારીને હનિટ્રેપમાં ફસાવી ખંડણી માંગતી “માહી ગેંગ“ ને ઝડપી પાડતી બોટાદ પોલીસ
આરોપીઓ 50થી 60 વર્ષનાં વેપારીઓને ટાર્ગેટ કરતા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ શામેલ હોવાનું ચોંકાવનારુ સામે આવ્યું છે. આ લોકો મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરીને વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઇન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી છે. બીજો આરોપી બિપિન પરમાર વકીલ છે. ઉન્નતી રાજપુત તે યુવતી છે જે મિત્રતા કેળવી લોકોને ફસાવતી હતી. આ લોકો અન્ય સાગરીતો સાથે મળીને 50થી 60 વર્ષનાં વેપારીઓને ટાર્ગેટ કરતા હતા અને સમાધાનનાં નામે તેમની પાસેથી તોડ કરતા હતા.
આરોપી યુવતીઓના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી વેપારીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો
ગેંગનો માસ્ટર માઇન્ડ જીતેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર અલગ અલગ યુવતીઓનાં નામે એકાઉન્ટ બનાવી વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો. ત્યારબાદ મેસેન્જર પર વાત કરીને મોબાઇલ નંબર આપી દેતો હતો. આ નંબર પર ઉન્નતી અને ગેંગમાં રહેલી અન્ય યુવતી જહાન્વી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીઓને હોટલનાં રૂમ અથવા કારમાં બોલાવી એકાંત માણવા મોકલી દેતા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદ: હની ટ્રેપ કરી યુવકનું અપહરણ અને ખંડણી માંગનારા 6 આરોપીની ધરપકડ
ગેંગના અન્ય લોકો યુવતીનાં બેન બનેવીની ઓળખ આપી વેપારીઓને ડરાવતા
આ સમગ્ર ઘટના બાદ વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો. અરજી બાદ ગેંગના અન્ય લોકો યુવતીનાં બેન બનેવીની ઓળખ આપી વેપારીઓને ડરાવતા હતા તથા Protection of Children from Sexual Offences (POCSO) અને દુષ્કર્મની કલમ દાખલ થશે તે પ્રકારે ડરાવી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતો.