અમદાવાદ:1 જૂનથી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન હટાવી દેવામાં આવ્યું છે. આર્થિક ધંધા રોજગારની સાથે સાથે ધાર્મિક સંસ્થાનોને પણ 8 જૂનથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મોટા ભાગના ધાર્મિક સંસ્થાનો કોરોના વાઈરસ દરમિયાન રાખવાની તકેદારી સાથે ખુલ્યા છે.
અમદાવાદના લાંભા ખાતે આવેલું પ્રખ્યાત બળિયાદેવના મંદિરને, મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ખુલ્યાના એક અઠવાડિયાની અંદર જ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના મેનેજર પરેશ ભટ્ટનું કહેવું છે કે, બધા દેવસ્થાનોની સાથે સાથે સરકારની મંજૂરી મળતા અમદાવાદનું સુપ્રસિદ્ધ બળીયાદેવનું મંદીર પણ ખોલવામાં આવ્યું હતું. પરંતુ દર્શનાર્થીઓનો ધસારો ખૂબ જ રહેતો હતો. સોશ્યિલ ડિસ્ટન્સ જળવાતું નથી. અહીંયા આવતા મોટાભાગના લોકો ગ્રામજનો છે. જેઓ બાળકોની બાધા પુરી કરવા આવે છે. તેમનામાં સમજનો અભાવ છે. જેથી મંદિર કોરોના વાઈરસનું હબ બની શકે છે. તેથી આ મંદિરને અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવે છે.
નજીકના ભવિષ્યમાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવામાં આવશે કે, મંદિરને ખોલવું કે કેમ. પરંતુ મંદિરનો આ નિર્ણય અન્ય મંદિરો તેમજ લોકો માટે લાલબત્તી સમાન છે. કારણ કે જો તકેદારી નહીં રખાય તો મુશ્કેલીઓ ચોક્કસ સર્જાશે.