- અમદાવાદના ચાંદખેડાની TLGH હોસ્પિટલમાં તોડફોડ
- 35 વર્ષીય યુવકનુ કોરોનાથી મૃત્યુ
- પરિવારજનોએ ડોક્ટરો પર બેદરકારીનો લગાવ્યો આક્ષેપ
અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં આવેલી TLGH કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ યુવકનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ પર સારવારમાં અભાવના આક્ષેપો લગાવ્યા છે અને ડોક્ટરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારજનોનું કહેવું છે કે, 7-8 દિવસથી દર્દીને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીની તબિયત ક્રિટિકલ થવા છતા પરિવારજનોને જાણ કરવામાં આવી ન હતી. દર્દીને અન્ય કોઇ બિમારી પણ ન હતી.
હોસ્પિટલની અનેક બેદરકારીઓ અગાઉ સામે આવી ચૂકી છે
હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'દર્દીની તબિયત સારી છે. પરંતુ આજે અચાનક તબિયત વધારે બગડી હતી, જેને લઇને તાત્કાલિક MRI કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની અનેક બેદરકારીઓ અગાઉ સામે આવી ચૂકી છે. હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થતા તેના પરિવારજનોએ તોડફોડ કરી છે. ચાંદખેડાની TLGH હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર આપવામાં આવે છે. અહીં દાણીલીમડામાં રહેતા 36 વર્ષના અમિત કાપડિયા કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જ્યા તેમના સારવાર બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધારો જણાતા હોસ્પિટલના સ્ટાફે મંગળવારે રજા આપવાનું જણાવ્યું હતું.
પરિવારજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ
યુવકના મોતને લઇને પરિવારના 200થી વધુ લોકો હોસ્પિટલમાં ભેગા થયા હતા. હોસ્પિટલમાં MRI સહિતની સામગ્રીઓની પરિવારજનોએ તોડફોડ કરી હતી. જોકે તાત્કાલિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખડકી દેવામાં આવ્યો છે.
પરિવારજનોનું આક્રંદ
મૃતક યુવકના માતાએ કહ્યું કે, મારો છોકરો સાજો હતો. રાત્રે 10 વાગ્યે મારી સાથે વાત કરી હતી. આજે મારા જમાઇએ ડોક્ટરોએ વાત કરી પછી મને જાણ થઇ કે આવું થયું છે. હું વિધવા છું અને મારો એકનો એક દીકરો હતો.
તોડફોડ થતા પોલીસે ઘટનાસ્થળે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત
જો કે પરિવારના સભ્યો અમિતભાઈને ઘરે લઈ જવા માટે આવ્યા, ત્યારે હોસ્પિટલ સ્ટાફે તેમના અવસાનના સમાચાર આપતા દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા. અમિતભાઈના પરિવારજનોની હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતા. જે બાદ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.