સંસારની મોહ-માયા ત્યજીને સંન્યાયી બનેલો યુવક માતા-પિતા પ્રત્યેની ફરજમાંથી છટકી શકે નહીં, તેવા અમદાવાદ ફેમિલી કોર્ટના આદેશને સંન્યાસી યુવકે હાઈકોર્ટમાં પડકારતા જસ્ટિસ બી.એન કારીયાએ તેની રિટને માન્ય રાખી વધુ સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરવાનો આદેશ કર્યો છે. ફેમિલી કોર્ટે સંન્યાસી યુવાનને મહિને 10 હજાર રૂપિયા ભરણ-પોષણ માતા-પિતાને આપવાનો આદેશ કર્યો હતો.
અરજદાર સંન્યાસી યુવાને હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટમાં દલીલ કરી હતી કે, RPAD સ્લીપમાં જે સરનામું દર્શાવવામાં આવ્યું છે તેમાં એ રહેતા નથી અને આ મુદે ફેમિલી કોર્ટની નોટીસ પણ તેમને મળતી ન હોવાથી કેસમાં એક-તરફી દલીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમના માતા-પિતા પાસે પોતાનું ઘર છે તથા તેમને પ્રતિ માસ 32 હજાર રૂપિયાનું પેન્શન પણ મળે છે.
ફેમિલી કોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, દરેક પુત્રને માતા-પિતા પ્રત્યે ફરજ હોય છે અને તેમાંથી એ છટકી શકે નહિ. 27 વર્ષીય ધર્મેશ ગોલ 2015માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારી કોર્પોરેટ નોકરી મેળવી હતી. જોકે, બાદમાં સંન્યાસી થવા નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ભડાજ ઈસ્કોન મંદિર ટ્રસ્ટથી એકાએક મેળાપ થતાં તેનું મેનેજ્મેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. ધર્મેશના માતા-પિતાએ તેને શોધવા માટે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પુત્ર ઘરે ન આવતા માતા-પિતાએ 50 હજાર રૂપિયાનો દાવો માંડયો હતો.
શારીરિક વિકલાંગતા ધરાવતા ધર્મેશના માતા-પિતાએ કોર્ટને જણાવ્યું કે, તેમની આવકનો કોઈ સ્ત્રોત નથી. ધર્મેશના પિતા ચાર વર્ષ પહેલાં નિવૃત થયા છે. માતા-પિતાએ પુત્રના અભ્યાસ પાછળ 35 લાખ ખર્ચયા હોવાનો દાવો કર્યો હતો. માતા-પિતાનો આક્ષેપ છે કે, ધર્મગૂરૂઓથી પ્રેરાઈને તેમના દિકરાએ 65 હજાર રૂપિયાની નોકરીને છોડી દીધી હતી.
પુત્ર હાલ ધાર્મિક ભાષણ આપી મહિને એક લાખ રૂપિયા કમાતો હોવાની દલીલ કરાઈ હતી. જોકે, કોર્ટે દિકરાની આવક 30થી 35 હજાર વચ્ચે હોવાનો અંદાજ લગાવ્યો હતો અને ભરણ-પોષણની રકમ પુત્ર માટે સજા ન બને તેનું પણ કોર્ટે ખાસ ધ્યાન રાખ્યું હતું.