- વિધવા બહેનો માટે સરકારે ચિંતા કરી: વિભાવરી દવે
- વિધવા પુનઃલગ્ન માટે 50, 000ની સહાય
- સગર્ભા મહિલાઓ અને બાળકોને આયુર્વેદિક ઔષધિઓ અપાશે
અમદાવાદ: નાણાં પ્રધાન નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં 3511 કરોડની જોગવાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કરવામાં આવી છે. ત્યારે નાણાં પ્રધાનનો આભાર માનતા ગુજરાતના મહિલા અને બાળ વિકાસ પ્રધાન વિભાવરી દવેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 53 હજારથી વધુ આંગણવાડીઓ મારફત અંદાજિત 60 લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે. જે અંતર્ગત આયુર્વેદિક ઔષધો અને પોષક તત્વોયુક્ત ખોરાકનો સમાવેશ થાય છે. પૂરક પોષણ યોજના માટે 139 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
8 લાખ વિધવાઓ માટે 700 કરોડ
ગંગાસ્વરૂપ બહેનોના આર્થિક યોજના હેઠળ અંદાજે 08 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા 700 કરોડની જોગવાઈ કરાઈ છે. પહેલાં ફક્ત તેવા વિધવા બહેનોને સહાય અપાઇ હતી કે, જેમના બાળકો પુખ્ત વયના ન હોય, પરંતુ હવે તેની વય મર્યાદા હટાવી દેવામાં આવી છે. રાજ્યની 15થી 18 વર્ષની 11.76 લાખ કિશોરીઓને લાભ આપવા માટે 'પૂર્ણા યોજના' અંતર્ગત 220 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકાસશીલ તાલુકા અને આદિજાતિ વિસ્તારના કુલ 83 તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે દૂધ સંજીવની યોજના અંતર્ગત 136 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે શું છે જોગવાઇ?
પછાત વિસ્તારોને અગ્રતા
06 માસથી 03 વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા, ભાવનગર જિલ્લામાં આયુર્વેદિક ઔષધીના ઉપયોગનું આયોજન કરાયું છે. જે માટે 09 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ 2020 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદૃઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા 16 લાખથી વધુ બાળકોને ગુણવત્તા પૂર્ણ સર્વાંગી વિકાસ માટે 'પા પા પગલી' યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વિધવા પુનઃલગ્ન માટે 50 હજારની સહાય
સામાજિક ઉત્થાનના પ્રયાસરૂપે વિધવા મહિલાઓના પુનઃલગ્નના ગૌરવ માટે લાભાર્થી દીઠ 50 હજારની સહાય કરવામાં આવશે. તે માટે કુલ 03 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.