- ગુજરાતમાં AIMIMની લઘુમતી લોકો રાહ જોઈ રહ્યા હતા
- છોટુ વસાવા સાથે મળીને ચૂંટણી લડીશું
- અમદાવાદ અને ભરૂચમાં કોર્પોરેશનની ચૂંટણી લડીશું
અમદાવાદ : AIMIM ગુજરાતના પ્રમુખ સાબીર કાબલાવાલાએ જણાવ્યું હતું કે, જે પાર્ટીની ગુજરાતના લઘુમતી લોકો રાહ જોઇ રહ્યા હતા, તે હવે આવી છે. તેથી લોકો ખૂબ ખુશ છે. AIMIM પાર્ટી સાથે મુસ્લિમ, દલિત, આદિજાતિ, બક્ષી પંચ અને તમામ ધર્મના લોકો છે.
આદિજાતી અને દલિત નેતાઓનું ભાજપમાં કોઈ સાંભળતું નથી
BTP પ્રમુખ છોટુ વસાવા સાથે હાથ મિલાવવાનું કારણ જણાવતાં તેમને જણાવ્યું હતું કે, છોટુ વસાવાના આદિવાસી વિસ્તારમાં ઘણી મુશ્કેલી હતી અને કોઈ તેમની વાત સાંભળતું નથી અને મુસ્લિમો સાથે મોબ લિંચિંગના કિસ્સા પણ બન્યા છે અને દલિતો સાથે ઘણી બર્બરતા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અને ભાજપમાં આદિજાતિ અને દલિત બન્ને નેતાઓ છે, પરંતુ તેમ છતા પણ તેમની સમસ્યા સાંભળવામાં આવતી નથી. એમની સમસ્યાઓનું સમાધાન નથી થતું, આવી પરિસ્થિતીમાં તેમનો અવાજ ઉઠાવવા માટે AIMIMએ ગુજરાતમાં આવી છે, અને આ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમે તેમની સાથે કામ કરીશું.
ઓવૈસી બેચાર દિવસમાં ગુજરાત આવી રહ્યા છે
કાબલીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે, તો અમે કોર્પોરેશનની ચૂંટણી માટે અમદાવાદ અને ભરૂચમાં ચૂંટણી લડવાના છીએ. અસદુદ્દીન ઓવૈસી બે ચાર દિવસમાં ગુજરાતમાં આવી રહ્યા છે અને તે લોકોને સ્થાનિક ચૂંટણી અંગેની તમામ રણનીતિ જણાવશે.
ભાજપની બી ટીમ કહેનારાને કાબલીવાલાનો જવાબ
સાબીર કાબલીવાલાએ AIMIM પાર્ટીને ભાજપની બી ટીમ કહેનારા લોકોને જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બન્ને એક છે અને ત્યાં બી ટીમ નથી. જ્યારે બીજો વિકલ્પ અહીં આવે છે, ત્યારે તેમને એક થઈ બીજી પાર્ટીને હરાવવાનો પ્રયત્ન કરે છે. હવે અમે ગુજરાતમાં ત્રીજા મોરચાને મજબૂત બનાવીશું અને અમારી સાથે દલિત, મુસ્લિમ, આદિજાતિઓ સાથે મળીને ચૂંટણી લડીશું.
બુથવાઈઝ પ્લાનિંગ થઈ ચુક્યું છે : કાબલીવાલા
સાબીર કાબલીવાલાએ વધુમાં ઉમેર્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે બૂથવાઇઝ પ્લાનિંગ થઈ ચૂક્યું છે. જે મુજબ અમે ચૂંટણી લડવાના છીએ અને તેથી જ ચૂંટણીમાં સારા પરિણામો આવશે. અમે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષની પાટલી પર બેસીશું.