- સરકાર સામે પડ્યાં આવકવેરા વિભાગના કર્મચારી
- 3 માર્ચના રોજ કર્મચારીઓ ઉતરશે ધરણાં પર
- પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી સર્ચ ઓપરેશનમાં નહીં જોડાય કર્મચારીઓ
અમદાવાદ: ઇન્કમટેક્સ એમ્પ્લોઇઝ ફેડરેશન ગુજરાત દ્વારા વિવિધ માગણીઓને લઇને અડધો દિવસ વૉકઆઉટ કરવામાં આવ્યું હતું. અમદાવાદ આવકવેરા વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા અડધો દિવસ વૉકઆઉટ કરી કાળી પટ્ટી બાંધી સરકાર સામે પોતાની વિવિધ માગણીઓ અને પ્રશ્નોને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગત 2 વર્ષથી આવકવેરા વિભાગના કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી રહ્યાં છે, પરંતુ કોઇપણ જાતનો ઉકેલ નહીં આવતાં હવે આંદોલન પર ઊતરી આવ્યા છે.
3 માર્ચના રોજ કરશે ધરણાં પ્રદર્શન
સરકારમાં વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવા છતાં કોઇપણ જાતનો ઉકેલ નહીં આવતાં હવે કર્મચારીઓ ધરણાં પ્રદર્શન કરશે. ગુજરાત ઇન્કમટેક્સ એમ્પ્લોયઝ ફેડરેશનના પ્રમુખ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, 3 માર્ચના રોજ આવકવેરા વિભાગના કર્મચારીઓ કચેરીની બહાર બપોરે 12 કલાકથી 3 કલાક સુધી ધરણાં પ્રદર્શન કરશે.
સર્ચ ઓપરેશનમાં નહીંં જોડાય કર્મચારીઓ
પોતાના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન પર ઉતરેલા કર્મચારીઓ હવે જ્યાં સુધી પોતાના પ્રશ્નોના નિરાકરણ ન આવે ત્યાં સુધી, આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવતા સર્ચ ઓપરેશનમાં નહીં જોડાવાની પણ ચીમકી આપી છે.
સરકાર સમક્ષ કઈ કઈ છે માગણીઓ ?
આવકવેરા વિભાગમાં સરકાર ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવી રહી છે. જેને લઇને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે અને સરકારી ભરતી કરવાની માગ કરી રહ્યાં છે. આ સાથે વર્ગ-3ના કર્મચારીઓને પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરતા સરકારના આ નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા છે. આવક વેરા વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈપણ જાતનો ઉકેલ આવ્યો નથી. જેને લઇને છેવટે કર્મચારીઓ હડતાળ પર પણ ઊતરશે.