- દરરોજ કોરોનાના નવા પોઝિટિવ કેસ આવી રહ્યા છે
- કોરોનાને કાબુમાં લેવા સરકાર રોજ નિયંત્રણો મુકે છે
- બોલો ગાંધીનગરમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે, ગઈકાલે ગુરુવારે કોરોનાના 1274 પોઝિટિવ કેસ આવ્યાં હતા. ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સૂરતમાં રાત્રિના 9થી સવારના 6 સુધીનો કરફ્યૂ નાંખ્યો છે. જીમ, કલબ, AMTS, BRTS બધુ બંધ કરાવ્યું છે. ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરાવ્યું અને પરીક્ષાઓ હાલ તુરંત મુલત્વી રાખી છે. ગઈકાલ સાંજથી સરકાર નિયંત્રણો લાદી રહી છે, અને આજે ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે.
સરકારની બેવડી નીતિ
આ કાંઈ ખબર પડે તેવું નથી. રાજ્ય સરકારની બેવડી નીતિ... એકતરફ કોરોનાને કાબૂમાં લેવા પગલા ભરી રહી છે, અને બીજી તરફ ચૂંટણીની જાહેરાત. ખરેખર તો સરકારે જ મધ્યસ્થી કરીને ચૂંટણી પંચને કહેવું જોઈએ કે ચૂંટણી ત્રણ મહિના મોડી યોજો. તેને બદલે ચૂંટણીનું સ્વાગત થયું છે. વિધાનસભામાં માસ્ક ન પહેરો તો રૂપિયા 500નો દંડ અને પ્રજા માસ્ક ન પહેરે તો રૂપિયા 1000 દંડ. આવું કેમ? પ્રજા સવાલ પુછી રહી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર
સરકારના પગલાનું પાલન માત્ર પ્રજાએ જ કરવાનું
રાજ્ય સરકાર કોરોનાને કાબુમાં લેવા માટે પગલા ભરી રહી છે, તે તમામ નિયમોનું પાલન પ્રજાએ જ કરવાનું છે, સરકારે કે નેતાઓએ આ નિયમોનું પાલન કરવાનું નથી. રાજકીય પાર્ટીઓ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કર્યું નથી. 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસ 200ની નીચે જતાં રહ્યા હતા. પછી ચૂંટણીના પરિણામ આવ્યાં પછી ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ કોરોનાના નવા 1200થી વધુ કેસ આવી રહ્યા છે.
18 એપ્રિલ પહેલા ગાંધીનગર કોરોનાનું હોટસ્પોટ બનશે?
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. હવે કોરોના અમદાવાદથી સીધો ગાંધીનગર પહોંચશે, તેમાં કોઈ બે મત નથી. ચૂંટણી આવી એટલે જાહેરસભા અને ચૂંટણીપ્રચારમાં કોરોનાની ગાઈડલાઈન્સનું સદતર પાલન થતું હોતું નથી. કોણ કોની સામે પગલા ભરે? તે સવાલ છે. આજે જ સમાચાર આવ્યા છે કે સચિવાલયના પાંચ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. કદાચ 18 એપ્રિલ પહેલા ગાંધીનગર પણ કોરોનાનું હોટસ્પોટ બની શકે છે.