- આકાશ મંડળમાં બદલાશે ગ્રહોના સ્થાન
- તમામ ક્ષેત્રો પર થશે નાની-મોટી અસર
- તમામ રાશિના જાતકોએ ઇષ્ટદેવની આરાધના કરવી
અમદાવાદ: આગામી સમયમાં આકાશ મંડળમાં ગ્રહોની યુતિ, પરિયુતિ, નક્ષત્રોની અસર અને વક્રી ગ્રહોના પ્રભાવ જોવા મળશે. નવેમ્બર મધ્ય સુધીમાં આ પરિસ્થિતિની ઓછી-વત્તી અસર માનવજીવન પર દેખાશે. 21 જૂન મધ્યરાત્રિથી 22મી જુન સવાર સુધી સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ત્યારે, ચોમાસાની વિધિવત શરૂઆત થાય છે.
આકાશ મંડળમા આવતા બદલાવ અને તેની જ્યોતિષીય અસર
સોમવારે ભીમ અગિયારસના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ત્યારે, ચંદ્ર તુલા રાશિમાં છે અને મિથુન રાશિના શુક્ર સાથે નવ પંચમ યોગ કરે છે. શનિ વક્રી થઈ મકર રાશિમાં વક્રી પ્લુટો સાથે યુતિ કરે છે અને ગુરુ પણ કુંભ રાશિમાં વક્રી થયેલ છે. બુધ વૃષભ રાશિમાં વક્રી થઇ માર્ગી થાય છે. આદ્રા નક્ષત્રના પ્રવેશ સમયે બુધ, ગુરુ, શનિ, રાહુ, કેતુ ઉપરાંત પ્લુટો ગ્રહ વક્રી ભ્રમણ કરે છે, અને ત્યાર બાદ બુધ માર્ગી થાય છે. શુક્ર જળચર રાશિ કર્કમાં આવે છે અને સંયોગવશ 2 દિવસ પછી ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આવે છે. આ ગણતરી, મુજબ આ વર્ષે વરસાદ સાધારણ કરતા સારો, મોટી તંગી ના વર્તાય તેવો પડી શકે છે. ક્યાંક વધુ પાણી ભરાવો થાય, ઝડપી પવન વાય તેને કારણે તકલીફ આવી શકે તેવી પણ સંભાવના છે.
વક્રી ગ્રહોની બજાર પર અસર
શેર બજારમાં ભાવની દિશા બદલાય, ઉછાળાની સંભાવના રહેલી છે. પરંતુ, ઉતાવળિયો નિર્ણય કરવો નહીં. કોમોડિટી માર્કેટમાં મકાઈ, ચણા, સોયાબીન, હળદરના ભાવમાં સુધારો આવવાની સંભાવના છે. આ ઉપરાંત એરંડા, તલ, ખોળ, ગુવાર, સરસવ, જીરા, રાજમા, તેલ જેવી ચીજમાં સુધારો સંભવિત છે. બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં પણ ચમક જોવા મળી શકે છે. આ ઉપરાંત, બેન્કિંગ, પાવર, ગેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભાવના ટ્રેન્ડ બદલાશે.
ભારતના રાજકીય અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર અસર
ઓક્ટોબરના અંતથી મધ્ય નવેમ્બર દરમિયાન બુધ, ગુરુ, શનિ, રાહુ, કેતુ, હર્ષલ, નેપચ્યુન, પ્લુટો ગ્રહો વક્રી ભ્રમણ કરે છે. ગુરુ, શનિ અને પ્લુતોની યુતિ મકર રાશિમાં સર્જાય છે. આ ત્રણેય ગ્રહોની વક્રી ભ્રમણ ગતિ પણ જોવા મળશે. જેની રાજ્ય, દેશ અને રાજકારણ પર અસર વધુ અસર જોવા મળે, તેવું સંભવિત છે. ક્યાંક આંદોલન, અરાજકતા, આકસ્મિક ઘટના જેવી બાબતો સંભવિત છે. સાશક પક્ષને મહત્વના અને કપરા નિર્ણયો લેવા પડે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન રાજકીય ઉતાર-ચઢાવની શક્યતાઓ છે. મોટા નેતાઓ અણધાર્યા નિર્ણયો લે તેવી શક્યતાઓ છે. પ્રજાએ વ્યક્તિગત નિર્ણયો લેવા પડે.
કઈ રાશિના લોકોએ તકેદારી રાખવી
આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોએ ખાસ તકેદારી રાખવી. મકર રાશિના લોકોએ ધીરજ રાખવી. સવારે શંકર ભગવાનને જળ અર્પણ કરવું. તેમજ રાત્રી દરમિયાન હનુમાન ચાલીસાનું પઠન કરવું. તમામ રાશિના જાતકોએ પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરવી. કેમ કે, આવનારી પરિસ્થિતિ પરીક્ષા લેનારી હશે.
આ પણ વાંચો:
Daily Horoscope : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
Shani Jayanti 2021 - જાણો શનિદેવને રીઝવવા કઈ રાશિના જાતકો શું કરવું દાન?