- વસ્ત્રાપુર વિસ્તારમાં કરવામાં આવી ઇ-મેમો ડ્રાઈવ
- ઓનલાઇન અને બેન્કમાં પણ કરી શકાય છે ઇ-મેમોનું પેમેન્ટ
- અમદાવાદ પોલીસની વેબસાઈટ પર ઇ-મેમો ચેક કરી શકાય છે
અમદાવાદ: હેલ્મેટ, ટ્રાફિક સિગ્નલ અને તેના જેવા જ બીજા કાયદાઓના ભંગ માટે હવે CCTV કેમેરા દ્વારા શહેરીજનો પર નજર રાખવામાં આવે છે અને જ્યારે કોઈ આવા કાયદાઓનું પાલન ન કરે અને વાહન ચલાવીને કાયદાનો ભંગ કરે ત્યારે તેને ઇ-મેમો આપવામાં આવે છે. કાયદો ભંગ કરનારના ઘરે મેમો પહોંચાડવામાં આવે છે. જેને 10 દિવસમાં ભરવાનો હોય છે, પરંતુ લોકો આ મેમો ભરવાની તસ્દી લેતા નથી હોતા અથવા તેમને ખબર નથી હોતી કે, આ ઇ-મેમો કઈ રીતે અને ક્યાં ભરવાનો હોય છે. આથી આ વિષયમાં અમદાવાદના ટ્રાફિક ડી.સી.પી.ની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને રોડ પર ઉભા રાખીને વેબસાઈટ પર તેમના વાહન નંબરથી ચેકિંગ કરીને તેમને જણાવવામાં આવે છે કે, તેમને મેમો ભરવાનો હજી બાકી છે.
વાહનચાલકોને સ્થળ પર જ મેમોની માહિતી અપાય છે
વાહનચાલકોને સ્થળ પર જ મેમો ભરવો પડે છે અથવા તો નજીકના પોલીસ સ્ટેશન કે નજીકની એસ.બી.આઈ. બેન્ક પર પણ ભરી શકે છે. આ ડિજિટલ ભારતના યુગમાં ઇ-મેમો એ પણ ડિજિટલ આવી રહ્યો છે અને તેને ઓનલાઇન પણ ભરી શકાય છે તેમ ફરજ પરના પોલીસ ઇન્સ્પેકટર જે.વી. પટેલે જણાવ્યું હતું. અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ હવે દરેક કામ ઓનલાઇન કરીને જ સેવા આપી રહી છે. આ મેમો જે લોકોના ઘરે જાય છે અને તેમને ખબર નથી કે કઈ રીતે અને ક્યાં ભરવાનો છે, ત્યારે અમે આ પ્રકારની ડ્રાઈવ દ્વારા સમજાવીએ છીએ કે આ મેમો ઓનલાઇન પણ ભરી શકાય છે અને બેન્કમાં પણ ભરી શકાય.
www.ahmedabadcitypolice.com પર થી ઇ-મેમોની રકમ જાણી શકાશે
આ પ્રકારની ડ્રાઈવ શહેરમાં દર પંદર દિવસના અંતરે કરવામાં આવે છે અને વેબસાઈટ www.ahmedabadcitypolice.com પર થી ઇ-મેમોની રકમ જાણી શકે છે અને ભરી પણ શકાય છે.