- આગામી ચૂંટણી સમયે જ રોકડની હેરાફેરી
- આંગડિયા પેઢીના કર્મચારીની રીંગરોડ પરથી કરી અટકાયત
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ : રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી પર પોલીસ અને ચૂંટણીપંચ ચાંપતી નજર રાખતું હોય છે. રામોલ પોલીસે રૂપિયા 1.34 કરોડની રકમ સાથે આંગડિયા પેઢીના કર્મચારીની રીંગ-રોડ પરથી અટકાયત કરી છે. યુવકને રોકડ રકમ અંગે પૂછતાં તેમની પાસે રકમ બાબતે કોઈ આધાર પુરાવા ન મળતા રૂપિયા 1.34 કરોડની રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ રોકડ રકમ કોની છે, તે દિશામાં પોલીસ કાર્યવાહી કરશે.
પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ
રીંગરોડ પરની રેસ્ટોરન્ટ પાસેથી યુવકને પોલીસે ઝડપી લીધો હતો. ચૂંટણી દરમિયાન મતદારોને આકર્ષવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ આપવામાં આવતી હોય છે. તેને લઈને ચૂંટણીપંચે પોલીસને ખાસ સૂચના આપી છે. ત્યારે રામોલ પોલીસે રીંગરોડ પર એક રેસ્ટોરન્ટ પાસેથી મળેલી બાતમીના આધારે ભાવેશ વાળંદની રૂપિયા 1.34 કરોડ સાથે અટકાયત કરી લીધી હતી. આ અંગે ACP એન. એલ. દેસાઈએ જણાવ્યું હતું કે, યુવક રોકડ રકમ મુંબઈના મલાડમાં આપવા જતો હોવાનું જણાવે છે. જો કે, આ રૂપિયા કોના છે, તે બાબતે કોઈ આધાર પુરાવા ન હોવાથી તેની અટકાયત કરી રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.