● નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદના શીલજ ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું
● 55 કરોડના ખર્ચે બ્રિજ બન્યો
● એક કિલોમીટર લાંબો છે બ્રિજ
● ઉત્તર ગુજરાતને અમદાવાદથી જોડે છે રિંગરોડ
અમદાવાદઃ અમદાવાદના શીલજ ખાતે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રના સહયોગથી રેલવે ઓવરબ્રિજ બનાવાયો છે, જેનું લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ બ્રિજની જરૂરિયાત ઘણા વખતથી હતી. આ બ્રીજ થલતેજને રીંગ રોડ સુધી જોડશે, પરિણામે ટ્રાફિક ઘટશે. રીંગરોડ અમદાવાદ અને ઉત્તર ગુજરાતને કનેક્ટ કરે છે. અહીં આવેલા રેલવે ફાટક ઉપર દરરોજની અનેક ટ્રેન આવતી હતી. પરિણામે લોકોને અવરજવરમાં તકલીફ વધી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 50 ટકાનો ખર્ચ
કેન્દ્ર અને રાજ્ય સરકારના 50 ટકા જેટલી રકમ આ બ્રિજના નિર્માણમાં લાગી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદનો વિકાસ સતત થઈ રહ્યો છે. વાહનોની સંખ્યા પણ વધી છે ત્યારે શહેરના વિકસતા જતા છેવાડાના વિસ્તારોને રોડ કનેક્ટિવિટી આપવી ખૂબ જ જરૂરી છે. જેની શરૂઆત નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારથી જ શરૂ કરી દેવાઈ હતી. આ બ્રિજનું ભૂમિપૂજન તે વખતના મુખ્યમંત્રી આનંદી પટેલે કર્યું હતું. ત્યારે પણ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

બ્રિજને બનતાં ચાર વર્ષ જેટલો લાગ્યો સમય
આ બ્રિજને બનતા ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત કાર્ય કરી રહી છે. ગુજરાતની ચાર કરોડની જનતાને પીવા માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. વર્ષોથી ઓકટ્રોય નાબૂદી કરી દેવામાં આવી છે. ઉપરાંત શહેરી વિકાસ નિગમને શહેરના વિકાસ માટે સાત હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 2022 સુધીમાં સમગ્ર દેશને ફાટક મુક્ત કરાય તેવું લક્ષ્ય છે.
બ્રિજના બાંધકામમાં સ્ટીલની ગડરોનો ઉપયોગ
આ બ્રીજની વિશેષતા એ છે કે, આ બ્રિજની ડિઝાઇન વિશિષ્ટ રીતે બનાવવામાં આવી છે. સામાન્ય રીતે બ્રિજમાં સિમેન્ટના બ્લોક વાપરવામાં આવતા હોય છે. પરંતુ તેની જગ્યાએ આ બ્રિજમાં સ્ટીલના ગડર નાખવામાં આવ્યા છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને તેમણે એક દિવસ અગાઉ જ બ્રિજના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. તેઓ વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતના કોઇપણ વિકાસના કાર્યમાં તેઓ સતત હાજર રહે છે. નીતિન પટેલ પોતે પણ કેન્દ્રીય ગૃહપ્રધાનના લોકસભા ક્ષેત્રનું ધ્યાન રાખે છે. ઉલ્લેખનીય છે કે નીતિન પટેલે જણાવ્યું હતું કે, કલોલમાં 03 કરોડના ખર્ચે બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની 30 ટકા જેટલી રકમ કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા આપવામાં આવી છે.