અમદાવાદઃ રાજકોટની મોદી સ્કૂલ બાદ અમદાવાદની પણ કેટલીક પ્રાઇવેટ સ્કૂલોએ ફી માટેના મેસેજ કરતા વાલીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. તેમને તે માટે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને પણ ફરિયાદ કરી છે. એક તરફ સરકારે આદેશ આપ્યા છે કે, લોકડાઉનના સમય દરમિયાન ત્રણ મહિના સુધી તેમને ફી ભરવામાંથી મુક્તિ અપાય છે. પરંતુ જે વાલીઓ સક્ષમ છે તેઓ ફી ભરી શકે છે. જેઓ ઇન્સ્ટોલમેન્ટમાં ભરવા માંગતા હોય તો તેવી વ્યવસ્થા પણ શાળાઓ કરી શકે છે. તો જે વાલીઓ પાસે અત્યારે કોઈ નાણાકીય સ્ત્રોતો ન હોવાના કારણે ફી ભરી ન શકતા સરકારે અવધી દિવાળી સુધી લંબાવી છે. પરંતુ ફી તો ભરવી જ પડશે. આ સમય અવધિની છૂટછાટ છે. ફી ભરવામાં છૂટછાટ નથી.
શાળાઓનું કહેવું છે કે, શાળાઓ બંધ છે. પરંતુ તેમ છતાંય શાળાઓ સાથે સંકળાયેલા શિક્ષકો, ક્લાર્ક, પટાવાળા, સફાઈકર્મી વગેરેને પગાર ચૂકવવાનો થાય છે, શાળાનું મેન્ટેનન્સ પણ ઊભું થાય છે. તે માટે તેઓએ વાલીઓને ફી ભરવા કહ્યું છે. કારણ કે તેમની પાસે સરકારી શાળાની જેમ નાણાંના અન્ય કોઈ સ્ત્રોત નથી. પરંતુ તેમ છતાં તેઓએ ફી ભરવા કોઈ વાલી પર દબાણ નથી કર્યું. જે વાલીઓ સક્ષમ છે, તેઓ ફી ભરી શકે છે. જેમની પાસે થોડી વ્યવસ્થા હોય તે ઇન્સ્ટોલમેન્ટમાં ફરી શકે છે. જેથી શાળાઓનું કાર્ય સુચારુ રૂપે ચાલે. લોકડાઉનમાં પણ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ વાલીઓએ દલીલ કરી છે કે, ઓનલાઈન ભણાવવાનો પુરો પ્રોગ્રામ નિષ્ફળ છે. પ્રાઇવેટ શાળાઓએ ફી રેગ્યુલેશન કમિટી પાસે ઓડિટ કરાવ્યું હતું. તેમાં તેમની પાસે એક વર્ષ સુધી ફી ના લે તો પણ દરેક શાળા સાથે સંકળાયેલા કર્મચારીઓને પગાર શકે એટલું ભંડોળ છે. ત્યારે આવા કટોકટીના સમયે શાળાઓએ વાલીઓ પાસેથી ફી માંગવાનું પ્રયોજન શું છે ?
આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્યના ડી.ઇ.ઓ આર.આર.વ્યાસે કહ્યું હતું કે, સરકાર દ્વારા તો લોકડાઉન દરમિયાનની ત્રિમાસિક ફી બાદમાં ભરવાની છુટ આપવામાં આવી છે. પરંતુ આસક્ષમ વાલીઓ ત્રિમાસિક ફી દિવાળી સુધીમાં ભરી શકે છે. તેમ છતા જે વાલીઓ સક્ષમ છે તેમને ફી ભરવા માટે શાળાઓએ નમ્ર રીતે મેસેજ કર્યો છે. તેથી તેમાં કશું ખોટું નથી. જો શાળા તરફથી વાલીઓને ફી ભરવા સરકારી આદેશોનું ઉલ્લંઘન કરીને દબાણ કરાતું હોય તો ડી.ઇ.ઓને ફરિયાદ કરવી. તેઓ ચોક્કસથી યોગ્ય પગલાં લેશે.