- કોરોનાની ST નિગમના સંચાલન પર અસર
- મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ટ્રીપ કેન્સલ
- પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા આવકમાં ઘટાડો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની અસર હવે ST વિભાગમાં પણ પડી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની આવકમાં ઘટાડો નોંધાયો છે. કોવિડને લઈને તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ સ્વયંભૂ લોકડાઉનના કારણે પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો છે. જેથી આવકમાં પણ ઘટાડો થયો છે. ST નિગમના ડીરેકટર કે.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે નિગમના સંચાલન પર અસર થઈ છે. ST નિગમ દ્વારા પરિસ્થિતિઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
રૂપિયા 5.75 કરોડથી ઘટીને રૂપિયા 2.88 કરોડ સુધી પહોંચી
ST નિગમના દૈનિક 6300 શિડયુલમાંથી 5047 શિડયુલ જ ચાલી રહ્યા છે. ST નિગમની આવક રૂપિયા 5.75 કરોડથી ઘટીને રૂપિયા 2.88 કરોડ સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં પ્રવર્તી રહેલી કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ચાલતી બસોના 117 શિડયુલ રદ કરવામાં આવ્યાં છે. આ ઉપરાત મધ્યપ્રદેશના 29 શિડયુલ રદ કરવામાં આવ્યાં છે. તેમજ રાજસ્થાનમાં 50 ટકાના દરે અત્યારે શિડયુલ ચાલી રહ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના કાળમાં કોઈ નવી બસો ચાલુ કરવામાં નહીં આવે
આસપાસના રાજ્યોના પ્રવાસીઓને તકલીફ પડશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટા શહેરમાં વધી રહેલા કોરોના વાઈરસને લઈને લોકડાઉનની શક્યતાને જોતા ગુજરાતના મોટા શહેરોમાં રહેતા પરપ્રાંતિય મજૂરો રેલવે અને ST દ્વારા ઘરે પાછા ફરી રહ્યાં છે, ત્યારે તેમને તકલીફ સર્જાશે.