ન્યૂઝ ડેસ્ક: સત્યાગ્રહ અને અહિંસાના માર્ગે પણ વર્ષો જુના સામ્રાજ્યને હચમચાવીને આઝાદી મેળવી શકાય છે, એ મહાત્મા ગાંધીજીની 1930ની દાંડીયાત્રાએ પુરવાર કરી બતાવ્યું હતું. 80 પદયાત્રિકો સાથે સાબરમતી આશ્રમથી 241 માઈલની મજલ કાપીને નવસારીના દાંડીના દરિયા કિનારે પહોંચેલા બાપુએ ચપટી મીઠું ઉપાડીને 200 વર્ષ જૂના સામ્રાજ્યનાં પાયા હચમચાવી નાંખ્યા હતા. અહીંથી ભારતની આઝાદી માટેનો સત્યાગ્રહ શરૂ થયો અને 17 વર્ષ બાદ ભારતે સ્વરાજનો સૂર્ય જોયો હતો.
કાગડા કૂતરાનાં મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરૂ
વર્ષ 1930માં અંગ્રેજોએ મીઠાં પર લાદેલા આકરા કરવેરા સામે મહાત્મા ગાંધીજીએ અડગ મન સાથે અવાજ ઉઠાવ્યો હતો અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં પ્રતિજ્ઞા લીધી હતી કે, કાગડા કૂતરાનાં મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરૂ. બાપુએ 12 માર્ચ 1930ની સવારે 80 પદયાત્રીઓ સાથે દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. મહાત્મા એક પછી એક ગામડાઓમાં સભાઓ અને લોકોને સ્વરાજ માટે જાગૃત કરતા આગળ વધતા રહ્યાં અને બાપુ સાથે હજારો લોકો દાંડીકૂચમાં જોડાતા ગયા હતા.
આ પણ વાંચો: 50 મહિલાઓની વૈભવી કારમાં દાંડીકૂચ યાત્રા, રેસર મીરા એરડા જોડાઈ, જુઓ વીડિયો
ત્રણ નાના સત્યાગ્રહીઓએ દરિયા કિનારે મીઠું સંતાડ્યુ હતું
બીજી તરફ દાંડીમાં મીઠું ન મળે તે માટે અંગ્રેજી હુકુમતે પણ તૈયારી કરી હતી. 5 એપ્રિલે બાપુ દાંડી પહોંચ્યા ત્યારે વ્હોરા સમાજના સૈફુદ્દીન સૈયદના સાહેબે પોતાનો બંગલો તેમને રાત્રી રોકાણ માટે ખોલી આપ્યો હતો. બાપુને સવારે મીઠું મળે એ હેતુથી ત્રણ નાના સત્યાગ્રહીઓએ દરિયા કિનારે ખાડામાં પડેલા કુદરતી મીઠા ઉપર પાંદળાં મૂકીને સંતાડી દીધું હતું. સવારે મહાત્મા ગાંધી મીઠું ઉપાડવા સૈફીવિલાની બહાર નિકળ્યા, ત્યારે જ સત્યાગ્રહીઓએ બતાવેલા મીઠાનાં ખાડામાંથી ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે હું અંગ્રેજી સલ્તનતના પાયામાં લૂણો લગાડુ છું. દાંડીકૂચ અને મીઠાના સત્યાગ્રહથી સમગ્ર દેશમાં નવા પ્રાણ ફૂંકાયા હતા અને ઠેર ઠેર થયેલા સત્યાગ્રહોને પરિણામે 17 વર્ષ બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે આઝાદી મેળવી હતી.