- એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામનું પરિણામ જાહેર
- ટોપ 25માં અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ બાજી મારી
- મોડ્યુલ 3 નું 33.37 ટકા પરિણામ આવ્યું
અમદાવાદ: ડિસેમ્બર 2020માં લેવાયેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાની સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ સમગ્ર ભારતમાં બાજી મારી છે. ટોપ 25માં અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જ્યારે મોડ્યુલ 1માં 27.88ટકા, મોડ્યુલ 2 માં 28.26 ટકા અને મોડ્યુલ 3 નું 33.37 ટકા પરિણામ આવ્યું છે.
એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં ઓલ ઇન્ડિયામાં જયપુરના તન્મય અગ્રવાલ અને ઈન્દોરની આકાંક્ષા ગુપ્તાએ પ્રથમ રેન્ક હાંસલ કર્યો છે. ત્યારે અમદાવાદના અંકુલ પટવાએ ઓલ ઇન્ડિયામાં 11 મો રેન્ક મેળવ્યો છે. અંજલી કાળેએ અમદાવાદમાં બીજો નંબર મેળવ્યો છે. આ ઉપરાંત, પ્રોફેશનલ પ્રોગ્રામમાં ઓલ ઈન્ડિયમાં નીલ મહેતાએ છઠ્ઠો અને અમદાવાદમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જ્યારે દેવર્ષ શાહે બીજો ક્રમાંક મેળવ્યો છે.
રેન્કરનું સૂચન, મહેનત કરવાથી મળશે પરિણામ
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિણામ પાછળ મહેનત કરવી જરૂરી છે અને ગોલ નક્કી કરીને તે પ્રમાણે ટાઈમ ટેબલ બનાવીને મહેનત કરીએ તો ધાર્યું પરિણામ મળે જ છે. તેમજ જણાવ્યું કે, આગામી સમયમાં સારી કંપનીમાં કામ કરવું છે. કોઈ પણ પરિણામ આવે છતાં નિરાશ ન થવું જોઈએ, મહેનત કરવાથી ધાર્યું પરિણામ મળે જ છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમને ફરીથી પરીક્ષા આપીને સારૂ પરિણામ મેળવવું જોઈએ.