- ક્રાઈમ બ્રાન્ચે કાળાબજારી કરતા રેકેટનો પર્દાફાશ કરી 44 ઈન્જેક્શનનો જપ્ત કર્યા
- એક SVP હોસ્પિટલનો કર્મચારી પકડાયો, મહિલા સહિત ચારની ધરપકડ
- ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી ગુનો નોંધ્યો
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રેમડેસીવીર ઈન્જેક્શન લેવા માટે લોકો કલાકો લાઈનમાં ઉભા રહે છે. ત્યારે રેમડેસીવીરના ઈન્જેક્શનની કાળાબજારી કરતા વસ્ત્રાપુરના એક શખ્સને ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી 35 રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો.

એક ઈન્જેક્શન રૂપિયા 8500માં વેચતો હતો
આ શખ્સ એક ઈન્જેક્શન રૂપિયા 8500માં વેચતો હોવાનું ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં બહાર આવ્યુ હતું. તેમજ 1 મહિલા અને એસવીપીના કર્મચારી સહિત 3 વ્યક્તિની 9 ઇન્જેક્શન સાથે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો. જોકે, અમદાવાદમાં અનેક લોકો બ્લેકમાં ઇન્જેક્શન વેચાણ કરતાં હોવાનું મનાય છે. શહેરમાં કોરોના સંક્રમીત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેક્શનોની કાળાબજારી કરનારા લોકોને પકડવા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આદેશ કર્યો હતાો. આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ દરમિયાનમાં ક્રાઇમ જોઈન્ટ સીપી પ્રેમવીરસિંગ અને ડિસિપિ ચૈતન્ય મંડલિકે ACP ડી. પી. ચુડાસમાને આદેશ કરતા ટીમો સક્રિય બની હતી.

આ પણ વાંચોઃ રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપાયું, 5ની અટકાયત
પોલીસે છટકું ગોઠવી આરોપીની ઝડપી પાડ્યો
એક શખ્સ રેમડેસીવીર ઈન્જેક્શનો અન્ય જગ્યાએથી વગર પાસ પરવાને લાવી બજાર કિંમત કરતા ઉંચા ભાવે ગેરકાયેદસર રીતે વેચાણ કરી કાળાબજાર કરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેના આધારે ક્રાઈમબ્રાંચની ટીમે એક બનાવટી ગ્રાહક ઉભો કરી તેને 3 રેમડેસીવીર ઈન્જેક્શ જોઈએ છે તેમ જણાવ્યું હતું, ત્યારે તે શખ્સે એક ઈન્જેક્શન પેટે રૂપિયા 8500 અને 3 ઈન્જેક્શનના રૂપિયા 25500 એડવાન્સ ચુકવવા પડશે તેમ જણાવ્યુ હતુ. જેથી બનાવટી ગ્રાહકે રૂપીયા ચૂકવ્યાં હતા. ત્યારબાદ બીજા દિવસે તે શખ્સ દિલ્હીથી અમદાવાદ ફલાઈટ મારફતે આવીને બનાવટી ગ્રાહકને ટર્મિનલ 1ના ગેટ નંબર પાંચ પાસે બોલાવ્યો હતો. જે દરમિયાન ક્રાઈમબ્રાંચે ત્યાં વોચ ગોઢવીને આ શખ્સને ઝડપી લીધો હતો. તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ જસ્ટીન મોહનલાલ પરેશ હોવાનું જણાવ્યુ હતુ. તેની અંગઝડતી કરતા તેની પાસેથી 35 રેમડેસીવીર ઈન્જેક્શન મળી આવતા ક્રાઈમબ્રાંચની ટીમે તેની ધરપકડ કરી ક્રાઈમબ્રાંચ લાવ્યાં હતા.

આ પણ વાંચોઃ સુરતમાં 150 રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર વેચી દેવાયા
રેમડેસીવીર ઈન્જેકશન ખરીદી કરી ઉંચા ભાવે વેચાણ કરતા હતા
તેની પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે, આરોપી જસ્ટીન મોહન લાલ પરેશ જે.પી.કોન્વેન્ચર્સ પ્રા.લી.ના નામે માસ્ક સેનીટાઈઝરનો ધંધો કરતો હોવાથી રીઝન્ટ હેલ્થ કેર મેમનગર ખાતેના ડાયરેક્ટર વિવેક બાપનદાસ હુંડલાણીના સંપર્કમાં આવ્યો હતો. બીજી બાજુ રેમડેસીવીર ઈન્જેક્શનની માગ વધી હોવાથી રીઝન્ટ હેલ્થ કેરના ડાયરેક્ટર વિવેકે કંપનીના નામે બીલથી રેમડેસીવીર ઈન્જેકશન ખરીદી કરી ઉંચા ભાવે વેચાણ કરતા અને નફામાં ભાગ આપવાની વાત કરી હોવાથી આરોપી સંમત થયો હતો અને આ કામ કરી રહ્યો હતો.

બીજા ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને દબોચી લીધા
બીજી માહિતી આધારે ફરી ક્રાઈમ બાન્ચનો ડમી ગ્રાહક અક્ષર વિનોદ વાઝા પાસે ઇન્જેક્શન લેવા ગયા હતા. 1 ઇન્જેક્શન રૂપિયા 12,000 લેખે 9 ઇન્જેક્શન રૂપિયા 1.08 લાખમાં ખરીદવાના નક્કી થયા હતા. પોલીસે ઇન્જેક્શન આપતા અક્ષર, તેની બહેન વિધી વાઝા અને હરિઓમ જવાહર લાલ લોહરને પકડી પડ્યા હતા. ACP ચુડાસમાએ જણાવ્યું હતુ કે, અક્ષર એસવીપીમાં નોકરી કરે છે. હરિઓમ અગાઉ એસવીપીમાં નોકરી કરતો હતો. બન્ને કોને કોને ઇન્જેક્શન વેચાણ કર્યા છે અને ક્યાંથી સ્ટોક લાવ્યાં હતા તેની તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ વડોદરામાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપાયું
બે વખત દિલ્હીથી 200 અને 158 ઈન્જેક્શન ખરીદ્યા
આરોપી અગાઉ બે વખત દિલ્હી ગયો હતો, જ્યાં તેણે 200 અને 158 રેમડેસીવીર ઈન્જેક્શનોની ખરીદી કરી અમદાવાદ તથા ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓના સગાઓને ઉંચા ભાવે વેચાણ કર્યા હોવાનું ખુલ્યું છે. તે જ રીતે આ વખતે પણ દિલ્હી જઈને રીઝન્ટ હેલ્થ કેરના એકાઉન્ટથી પેમેન્ટ કરી બીલથી ખરીદી કરીને ઈન્જેક્શન લાવીને અમદાવાદ આવ્યો ત્યારે ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. આ કામમાં બીજા કેટલા લોકો સામેલ છે તે અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે વધુ પુછપરછ હાથ ધરી છે.