- કંપનીમાં રોકાણ સામે રોજની એક ટકા કમાણીની લાલચ આપી લોકો પાસે લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું
- ક્રાઇમ બ્રાન્ચે એક યુવતી સહિત 3 લોકોની કરી ધરપકડ
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ ક્રાઇમબ્રાન્ચની આર્થિક ગુના નિવારણ બ્રાન્ચે ગેમ ફોર વિકટરી કંપનીનાના નામે પોન્ઝી સ્કીમ ચલાવતી યુવતી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ લોકોને કંપનીમાં રોકાણ સામે રોજના એક ટકો કમાણી કરવાની લાલચ આપતા હતા. આ રીતે આરોપીઓએ લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યાં હતા. ક્રાઈમબ્રાન્ચને કંપનીમાં રોકાણ કરનાર જાગૃત નાગરીકે પોલીસને જાણ કરતા કૌભાંડ બહાર આવ્યું હતું.
ફરિયાદીનું ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ શું છે કહેવું
નારણપુરા પ્રગતિનગરમાં રહેતા જિગ્નેશ વાઘેલાએ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસે આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ એસ.એમ.પટેલ અને જે.બી.બુધેલિયાને મળી રજુઆત કરી હતી. જે મુજબ માનસી ચાર રસ્તા પાસે આવેલા અભિશ્રી એન્ડ્રોઈડની 303 નંબરની ઓફિસમાં ગેમ્સ ફોર વિક્ટરી પ્રા.લિ. નામની કંપની તા 17/9/2020થી બનાવવામાં આવી છે. જેમાં વિક્ટરી વર્લ્ડ નામની એપ્લિકેશન ચલાવે છે. કંપનીના માલિકો વિક્ટરી વર્લ્ડ એપ્લિકેશનના ઓથા હેઠળ પોન્ઝી સ્કીમ ચલાવી નાગરિકોને સભ્ય બનાવી રોજના એક ટકા લેખે રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ આપવાની લાલચ આપી લોકો પાસે રોકાણ કરાવે છે. આ કંપની છેલ્લા ત્રણ મહિનાથી ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી રોજના લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજિત 50 લાખ ઉપરનું ટ્રાન્જેક્શન થયું છે.
આરોપીઓમાં રાજસ્થાન અલવરના આઝાદનગરના અખ્તરહુસૈન અહમદખાન (ઉં,32) મૂળ કરોંદી, ભોપાલની પૂજા હિરાલાલ સિંઘ (ઉં,27) અને મૂળ ઉત્તર પ્રદેશના મોલાશહીદનગરના 37 વર્ષીય સુનિલ તિરમલસિંગ યાદવ (હાલ ત્રણે રહે, તીનમુર્તી બંગલો,થલતેજ)નો સમાવેશ થાય છે. સુનિલ સિવાય કંપનીનો અન્ય એક ડાયરેક્ટર મૂળ મધ્યપ્રદેશના ખજૂહાકાલાના રહેવાસી આશિષકુમાર રાજેન્દ્રપ્રસાદ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે. દરોડા દરમિયાન પાંચ મોબાઈલ, એક લેપટોપ, ગેમ્સ ફોર વિક્ટરી પ્રા.લી.ના પાનકાર્ડની નકલ, કંપનીના MOUની નકલ વગેરે દસ્તાવેજ મળી રૂપિયા 35,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સ્કીમમાં 50 જેટલા સભ્યો બનાવી 25 થી 30 લાખનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરંતુ આગામી દિવસોમાં કેટલા લોકો આ સ્કીમનો ભોગ બન્યા છે તે વધુ તપાસ દરમિયાન જાણવા મળશે. કંપનીમાં 200 દિવસની વેલિડિટી જેમાં શનિવાર તથા રવિવાર રજા અને દરરોજ એકથી દોઢ ટકા કેશબેક બુસ્ટર ઈન્ટ્રેસ્ટ તથા મિનિમમ વિડ્રોઅલ 100 રૂપિયાની સ્કિમ હતી. જેમાં ચાર પેકેજ રોકાણ કરવા આપવામાં આવ્યા હતા.
શું હતી સ્કીમ
પેકેજ નંબર-એક રૂપિયા 2500ના એક ટકા લેખે રૂપિયા 25 તેમજ દોઢ ટકા બુસ્ટર ઈન્કમ લેખે રૂપિયા 37.50, 200 દિવસની સ્કીમ જેમાં કેપિંગ મની રૂપિયા 2500 રોજની. પેકેજ નંબર- બે માં 10,000ના એક ટકા લેખે 100 તેમજ દોઢ ટકા બુસ્ટર ઈન્કમ 150 રૂપિયા લેખે સાત દિવસની સ્કીમ જેમાં કેપિંગ મની 10,000 રોજની, પેકેજ નંબર- ત્રણમાં 50,000ના એક ટકા લેખે ર 500 તેમજ દોઢ ટકા બુસ્ટર ઈન્કમ 750 રૂ લેખે 200 દિવસની સ્કીમ જેમાં કેપિંગ મની રૂ 25000 રોજ કમાવવાની સ્કીમ હતી. પેકેજ નંબર 4માં 1,00,000ના એક ટકા લેખે રૂ 1000 તથા દોઢ ટકા બુસ્ટર ઈન્કમ 1500 રૂપિયા લેખે 200 દિવસની સ્કીમ જેમાં કેપિંગ મની 50,000 રોજ કમાવવાની સ્કીમ તથા મેચિંગ ઈન્કમ જેમાં પ્રથમ ગ્રાહકની જમણી બાજુ તથા ડાબી બાજુ બનતા ગ્રાહકોની ઈન્કમના મેચિંગ ઈન્કમ એટલે કે જેમાં ઓછી ઈન્કમ હોય તેને મેચિંગ ઈન્કમ ગણી રોજના દસ ટકા લેખે કમાવાની સ્કીમ ગ્રાહકોને સમજાવવામાં આવતી હતી.
દરોડા સમયે ઓફિસમાં નાણાં રોકવા માટે આવ્યા હતા એક વ્યક્તિ
ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડયા ત્યારે ઓફિસમાં આસ્ટોડિયા રંગાટી બજાર ખાતે રહેતા કિર્તીભાઈ કનૈયાલાલ સોની હાજર હતા. કિર્તીભાઈને સ્કીમ અંગે શંકા જતા તેઓ રોકેલા રૂપિયા 10,000 પરત લેવા આવ્યા હતા. આ ઉપરાંત ત્રણ એજન્ટ સંતોષસિંગ રાવત, સંજયસિંગ ચૌહાણ તથા હોપાલસિંગ રાઠોડ મળ્યા હતાં, જેઓએ પોલીસને જણાવ્યું કે તેઓએ કંપનીમાં કોઈ નાણાં રોક્યા નથી પરંતુ સુનિલસિંગએ સ્કીમ સમજાવતા તેઓ બ્રોકર બનવા આવ્યા હતાં.