અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શહેરમાં અલગ-અલગ જગ્યાએ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામા આવી રહ્યું છે. સાબરમતીમાં બુલેટ ટ્રેનની કન્સ્ટ્રકશન સાઈટ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમા 350 શ્રમિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 52 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી.
અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના (BAPS) સાધુ-સંતો અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં કુલ 150 લોકોના ટેસ્ટ કરવામાં આવતા 28 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. સાધુ-સંતો પોઝિટિવ આવતા તેઓને ક્વોરન્ટીન અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરના ગુરુકુલ વિસ્તારમાં આવેલા નવનીત હાઉસમાં પણ કુલ 289 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવતા 9 કર્મચારીઓ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને પણ સારવાર માટે કોવિડ સેન્ટર અને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.