- જેલમાં વકરી રહ્યો છે કોરોના
- કેદીઓ માટે કરાઇ ખાસ વ્યવસ્થા
- સુપ્રિમ કોર્ટે પણ આપ્યા નિર્દેશો
ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ ફેલાયો છે ત્યારે જેલ પણ આ પ્રકોપથી બાકાત રહી નથી. ભારતની અનેક જેલમાંથી થોકબંધ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આવી જ સ્થિતિ ગુજરાતની જેલની પણ છે. વડોદરા, સુરત, જૂનાગઢ, રાજકોટમાં પણ મોટા પ્રમાણમાં કેસ સામે આવ્યા છે. જેલમાં દર્દીઓને કોરોના ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે સાથે જ કોરોના સંક્રમિત કેદીઓ માટે અલગ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિવિધ જેલમાં રાઉન્ડ ધ ક્લોક ડૉક્ટર્સ કેદીઓની તબિયતનું નિરીક્ષણ પણ કરી રહ્યાં છે.
કોરોનાને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટના નિર્દેશો
જેલમાં કેદીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે સુપ્રિમકોર્ટે ખાસ નિર્દેશો જાહેર કર્યા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટના અધિવક્તા, હાર્દિક બ્રમ્હભટ્ટે જણાવ્યું હતું કે, "7 મેએ સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે દરેક હાઇકોર્ટ એક હાઇપાવર કમિટીનું નિર્માણ કરે જે નિર્ણય લે કે જે કાચા કામના કેદીઓ કે જેમના કેસ નથી ચાલી શકતા, જેમના ગુન્હા પ્રમાણમાં નાના છે, તેમને જ્યાં સુધી કોરોનો પ્રકોપ છે ત્યાં સુધી તેમને આગોતરા જામીન આપે. આ ઉપરાંત જે કેદીઓ પેરોલ પર બાહર છે તેઓને વધુ 90 દિવસ માટે જામીન આપવામાં આવે."
ગુજરાત હાઈકોર્ટે રાજ્યની જેલના કેદીઓને 60 દિવસના જામીન આપ્યા
કોરોના મહામારીના બીજી લહેરમાં સંક્રમણ અટકાવવા માટે 60 દિવસ માટે જામીન/ પેરોલ / ફર્લો આપવા અંગે 12 મેંના રોજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ આર. એમ. છાયા સા., અધિક મુખ્ય સચિવ (ગૃહ વિભાગ), અધિક પોલીસ મહાનિદેશક (જેલ અને સુધારાત્મક વહિવટ)ની હાઈ પાવર કમિટીએ નિર્ણય કર્યો છે.
- હાઈકોર્ટના નિર્ણયથી રાજ્યની જેલોમાં રહેલા કેદીઓને મળશે લાભ...
- જેલમાં રહેલા પુરુષો કેદીઓઃ 1,531 અને સ્ત્રી કેદીઓઃ 26 થઈ કુલ 1,557 કેદીઓને લાભ મળશે.
- કોરોનાની પહેલી લહેરમાં એપ્રિલ 2020થી રજા આપવાનું શરૂ કરી ડીસેમ્બર 2020 સુધી તબક્કાવાર કેદીઓને 90 દિવસની રજાનો લાભ આપવામાં આવ્યો હતો.
- 90 દિવસની રજાનો લાભ આપવામાં આવેલા જરૂરીયાતમંદ કેદીઓને સંજોગોને આધિન રજામાં વધારો પણ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય અન્વયે દરેક જિલ્લાના જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના પરામર્શમાં રહી અમલ કરવામાં આવી રહ્યો છે.
વડોદરામાં 2021માં 80 કેદીઓને થયો કોરોના
વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની તો, વડોદરાની સેન્ટ્રલની કેપેસીટી 1,165 કેદીઓની છે તેની સામે જેલમાં 1,637 કેદીઓ છે એટલે એમ કહી શકાય કે જેલની કેપેસીટી કરતાં વધારે કેદીઓ છે. 2020માં વડોદરા જેલમાં 2020માં 124 કેદીઓ અને 7 સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. 2021માં અત્યાર સુધીમાં 80 કેદીઓ અને જેલસ્ટાફના 15 સભ્યો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેલમાં કેદીઓને ગરમ પાણી, લીંબુ શરબત, આયુર્વેદિક ઉકાળા, માસ્ક અપાય છે સાથે જ સેનિટાઇઝેશન કરવામાં આવે છે. સેન્ટ્રલ જેલની અંદર 6 જેટલી બેરક કેદીઓને હોમ ક્વૉરઈન્ટાઈન માટે રાખવામાં પણ આવી છે. 15 એપ્રિલથી સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ માટેની મુલાકાત બંધ કરી દેવામાં આવી છે. તેના બદલે કેદીઓના પરિવારજનો સાથે વીડિયો કોલિંગ અને ટેલિફોન સાથે કેદીઓને પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જો કોરોના પોઝિટિવ કેદીઓનીં સંખ્યા વધે તો SSG હોસ્પિટલમાં પણ કોવિડ કેર ઊભું કરવામાં આવ્યું છે.
સુરતમાં દર્દીઓના સ્વાસ્થ્યનું થાય છે મોનિટરિંગ
સુરત મધ્યસ્થ લાજપોર જેલમાં પાકા કામના કેદીઓની સંખ્યા 665 અને કાચા કામના કેદીઓની સંખ્યા 1919 છે ઉપરાંત પાસા હેઠળ કેદીઓની સંખ્યા 55 છે અને જેલમાં બાળકોની સંખ્યા 8 છે. કોરોના અંગે જેલના સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જેલમાં બે કેદીઓ પોઝિટિવ આવ્યા છે. જે નવા કેદીઓ અથવા તો પેરોલ પૂર્ણ કરીને જેલમાં આવતા હોય છે. જેમને જેલમાં 12 દિવસ માટે કવૉરેન્ટાઈન કરવા માટે 12 બેરેકની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાથે જેલની અંદર જે ડિસ્પેન્સરી છે ત્યાંથી આ તમામ કેદીઓના સ્વાસ્થ્યનું સતત મોનિટરીંગ કરવામાં આવે છે. 45 વર્ષની ઉપરના 328 કેદીઓને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા. કોરોના ફેલાતો અટકાવવા માટે કેદીઓની પરિજનો સાથેની મુલાકાત બંધ કરાવવામાં આવી છે પણ કેદીઓ પરીવાર સાથે વાત કરી શકે તે માટે વીડિયો કોલિંગથી વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
વધુ વાંચો: ભોપાલમાં કોરોનાના કેસ વધતા 4,500 કેદીઓને પેરોલ પર મુક્ત કરાયા
જૂનાગઢમાં કોરોનાથી એક કેદીનું થયું મોત
જૂનાગઢ જિલ્લા જેલમાં પણ કોરોના સંક્રમણનો પગપેસારો વધુ આગળ વધી રહ્યો છે. જેલમાં 14 જેટલા કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. હોસ્પિટલની સારવાર દરમિયાન એક કેદીનું મૃત્યુ થયું છે. જૂનાગઢ જેલમાં 421 જેટલા કાચા કામના કેદીઓ છે જેમાંથી 9 પુરુષ અને 4 મહિલા કેદીઓ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે
રાજકોટ જેલમાં ડૉક્ટર્સની ટીમ ખડેપગે
રાજકોટમાં પણ રોજ 500ની આસપાસ નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે ત્યારે શહેરના પોપટપરા ખાતે આવેલી જિલ્લા જેલમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા 19 કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમને મહાનગરપાલિકા સંચાલિત રેનબસેરા ખાતે આઇસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે જેલમાં અન્ય કેદીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે પણ બે ડૉક્ટર્સની સાથે મેડિકલ ટીમ સતત જેલમાં કાર્યરત રાખવામાં આવી છે. જેલમાં સજા ભેગવી રહેલા કેદીઓને હાલ પરિવારને પ્રત્યક્ષ રીતે મળવાની મનાઈ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જેલ તંત્ર દ્વારા કેદીઓને જો તેમના પરિવાર સાથે વાત કરવી હોય તો વીડિયો કોલ અથવા ફોન કરીને વાત કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
વધુ વાંચો: કોરોના સંક્રમિત આસારામને જામીન અરજી સંદર્ભે રાહ જોવી પડશે, હાલમાં રહેશે હોસ્પિટલમાં