અમદાવાદઃ અમદાવાદમાં બે અને રાજ્યમાં કુલ 5 કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે CAB, NPR અને NRCના વિરોધ માટે જાણીતા બનેલ અજિત મિલ વિસ્તાર કે જેને અમદાવાદનું શાહીનબાગ માનવામાં આવ્યું છે. ત્યાં પણ કોરોના વાઈરસને લીધે આગામી 15 દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણા નહીં કરવાની જાહેરાત કરાઈ છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદમાં કોરોના વાઇરસના બે પોઝિટિવ કેસ સામે આવ્યાં હોવાની સત્તાવાર જાહેરાત કરાતાં લગભગ બે મહિનાથી શાંતિપૂર્ણ રીતે ચાલતા ધરણાને હંગામી ધોરણે અટકાવી દેવામાં આવ્યાં છે. લોકોમાં વાઈરસ ન ફેલાય તેના તકેદારી સ્વરૂપે ધરણા અટકાવવામાં આવ્યાં છે.
કોરોનાને લીધે અગાઉ મહિલાઓની હાજરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે, હવે સ્થિતિ વધુ ખરાબ થતાં પુરૂષોને પણ ધરણામાં સામેલ ન થવાનું જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આગામી શનિવારે CEPTના વિધાર્થીઓ દ્વારા સંવિધાન ફિલ્મનું સ્ક્રીનીંગ કરવાનું હતું. જો કે, હવે તેને પણ રદ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અમેરિકાથી અને ફિનલેન્ડથી પરત ફરેલી બે યુવતીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર શહેરમાં સનસનાટી મચી હતી.
રાજ્યના આરોગ્યવિભાગ દ્વારા સ્થિતિ વધુ ન વણસે તેના માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 31મી માર્ચ સુધી શહેરના તમામ પાનના ગલ્લાને બંધ રાખવાનો આદેશ કરાયો છે.