- ગુજરાતમાં હવે બુલેટ ટ્રેનનું કામ ગતિ પકડશે
- બુલેટ ટ્રેન માટે 237 કિલોમીટર રૂટ પર લાર્સન એન્ડ ટુબ્રોની સૌથી ઓછી બીડ
- વાપીથી વડોદરા સુધી ડિઝાઈન અને બાંધકામ માટે મંગાવ્યા હતા બીડ
અમદાવાદ : 19 ઓકટોબરના રોજ બુલેટ ટ્રેનના ડિઝાઈન અને કન્સ્ટ્રક્શન કામ માટેની બીડ ખોલવામાં આવી હતી, જેમાં લાર્સન ટુબ્રોએ ઓછી બીડ ભરી છે. સાત મોટી ઈન્ફ્રાસ્ટ્રકટરલ કંપનીઓએ થઈને કુલ 3 બીડ ભરી હતી. જેમાં હવે લાર્સન ટુબ્રોની બીડ પાસ થાય તેવી શકયતા છે.
- અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ કોરિડોર કુલ 508 કિલોમીટર
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ કોરિડોર કુલ 508 કિલોમીટરનો છે, જેમાંથી 237 કિલોમીટર લાંબા રેલ કોરિડોર માટે ડિઝાઈન અને બાંધકામ માટે 19 ઓકટોબરના રોજ બીડ ખોલવામાં આવ્યા હતા. જેમાં લાર્સન એન્ડ ટુબ્રોએ સૌથી ઓછી બોલી લગાવી છે. બોલી લગાવવાની પ્રક્રિયા પછી બધા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જે બાદ પ્રોજેક્ટ માટે લેટર ઓફ એવોર્ડ(એલઓએ) ઈશ્યૂ કરાશે. આ ટેન્ડરમાં કુલ 508 કિલોમીટરમાંથી 47 ટકા વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે, જેમાં ઝરોલી ગામ કે જે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર છે, ત્યાંથી વાપી અને વડોદરા વચ્ચેનો વિસ્તાર છે. તેમાં કુલ 4 સ્ટેશન વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ તથા સુરત ડેપોનો સમાવેશ કરવામાં આવશે.
- ભરૂચ દહેગામ નજીક બુલેટ ટ્રેનનું ટર્મિનસ બનશે તો કુકરવાડા ગામ પાસે નર્મદા નદી પર પુલ બનાવાયો
બુલેટ ટ્રેનનું મુખ્ય ટર્મિનસ ભરૂચ તાલુકાના અને ભરૂચ શહેરને અડીને આવેલા દહેગામ નજીક બનશે તો નજીકમાં જ આવેલા કુકરવાડા ગામ પાસે નર્મદા નદી પર બ્રીજ બનાવવામાં આવ્યો છે. જેના પરથી બુલેટ ટ્રેન પસાર થશે. ભરૂચ જિલ્લામાં ખેડૂતોના વિરોધ વચ્ચે આ પ્રોજેક્ટમાટે 50 ટકા જેટલી જમીન સંપાદન થઇ ચુકી છે, જ્યારે બાકીની જમીન સંપાદનનું કામ પ્રગતિમાં છે.
- વાપીના ડુંગરામાં સુરતથી મુંબઈ વચ્ચેનું બનશે સૌથી લાબું રેલવે સ્ટેશન
બુલેટ ટ્રેન પ્રોજેકટમાં વાપીમાં બનનારા રેલવે સ્ટેશન 1.2 કિલોમીટર જેટલું લાબું બનાવવામાં આવશે. બે ટ્રેક મુજબ અંદાજીત 150 મીટર જમીન આ ટ્રેકમાં જઇ રહી હોવાથી તેટલા વિસ્તારમાં આવતા રહેણાંક મકાનો, ખેતીવાડીની જમીનમાં માપણી કરી અત્યાર સુધીમાં 90 ટકા વળતરની રકમ ચૂકવી દેવામાં આવી છે.
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશનના પીઆરઓ સુષ્મા ગૌરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લાર્સન ટુબ્રોની સૌથી ઓછી બીડ છે, જેથી તેમને ટૂંક સમયમાં જ લેટર ઓફ એવોર્ડ આપવામાં આવશે, તેમાં જ તેમના કામની સમયમર્યાદાથી માંડીને તમામ નિયમોનો ઉલ્લેખ હશે. હાલ આ મુદ્દે કશુ કહી શકાય નહી.
- મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન મુદ્દે રાજકારણ
બીજી તરફ એવું ગણિત લગાવી શકાય કે, અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનો વાપીથી વડોદરા સુધીના રેલ લાઈનનું કામ વહેલું થશે, કારણ કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ત્યાંના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો વિરોધ છે, જો કે, મહારાષ્ટ્રમાં વિરોધપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અંગે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પણ બુલેટ ટ્રેન દોડશે, ભલે આ મુદ્દે રાજકારણ રમાતું હોય. હાલ ગુજરાતના વિસ્તારોમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપી થશે, અને રેલ લાઈન તૈયાર થઈ જશે પછી વાપીથી વડોદરા વચ્ચે ટ્રાયલ રન પણ થશે, તેવી સંભાવના છે.
- જાણો બુલેટ ટ્રેન પ્રૉજેક્ટનો સમગ્ર ઘટનાક્રમ
20 ઓક્ટોબર, 2020 - બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: એલ એન્ડ ટી સૌથી ઓછી બોલી લગાવનાર કંપની
મુંબઇ-અમદાવાદ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 237 કિલોમીટરના હાઇ સ્પીડ રેલ કોરિડોરની ડિઝાઇન અને નિર્માણ માટે ફાયનાન્શિયલ બીડ ઓપન કરવામાં આવી છે. . મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 24,985 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.
12 ઓક્ટોબર, 2020 - ગોકળ ગાયની ગતિએ ચાલતી બુલેટ ટ્રેન
વિશ્વમાં પાચમાં મોટા અર્થતંત્ર તરીકે ઉભરી આવેલા ભારતમાં બુલેટ ટ્રેનના કોઇ ઠેકાણા નથી. જો કે, દેશમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ખાતપુહૂર્ત વિધિ ત્રણ વર્ષ અગાઉ થઇ ચૂકી છે, તેમ છતાં જમીન સંપાદન જેવી વિકરાળ ગણાતી સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.
મુંબઈ- અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર માટે ટેકનિકલ ટેન્ડર ખૂલ્યાં
મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ફરીથી કાર્ય શરૂ થયું છે. બુધવારે સારા સમાચાર છે કે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને અત્યાર સુધીના મોટા ટેન્ડરો પૈકીના ટેકનિકલ ટેન્ડરો ખૂલ્યાં છે. આ 237 કિલોમીટરની મુખ્ય લાઈન નાંખવા માટેના ટેન્ડર ખૂલ્યાં છે. હવે પછીના સમયમાં કામ પણ શરૂ થઈ જશે.
8 ઓગસ્ટ, 2020 - ખેડૂત સમાજ ગુજરાતે બુલેટ ટ્રેન કંપની ઝીકા સામે જાપાનની કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી
બુલેટ ટ્રેન મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે હવે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ સુરત દ્વારા નવી રણનીતિ અપનાવવામાં આવી છે. ખેડૂત સમાજ ગુજરાતના અગ્રણીઓએ બુલેટ કંપની ઝીકા સામે જાપાનની કોર્ટમાં જવાની ચીમકી છે.
18 જુલાઈ, 2020 - બુલેટ ટ્રેન સમયસર શરૂ થશે, 60 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણઃ રેલવે બોર્ડ અધ્યક્ષ
રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવનું કહેવું છે કે, મુંબઇ હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે અમદાવાદથી 60 ટકાજમીન સંપાદન કરવામાં આવી છે. રેલવે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરતા પહેલા, જમીનના માલિકો અને તેમના સંગઠનને તેમને થતાં ફાયદાથી સંબંધિત ઘણી વસ્તુઓની ખાતરી આપી રહી છે.
7 ફેબ્રુઆરી 2020 - બુલેટ ટ્રેન પ્રોજેકટ : ખેડૂતોને 2100 કરોડની ચુકવણી, સુરતના 14, નવસારીના 8 અને વલસાડના 2 ગામની જમીન સંપાદન બાકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે અમદાવાદથી મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. જેમાં રાજ્ય સરકારે બુલેટ ટ્રેન જે આઠ જિલ્લાઓમાંથી પસાર થવાની છે તે જિલ્લાઓમાંથી જમીન સંપાદનની કામગીરી 80 ટકા સુધી પૂર્ણ કરી હોવાનું નિવેદન રાજ્યના મહેસૂલ સચિવ કૌશિક પટેલ એ આપ્યું હતું. જ્યારે ફક્ત 24 જેટલા ગામને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હોવાનું નિવેદન પણ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ એ આપ્યું હતું.
16 ડિસેમ્બર, 2019- બુલેટ ટ્રેન: ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી
સુરત: કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી અટકી પડે તેવી શક્યતાઓ છે. જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહીં આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ ઉપરાંત પ્રોજેકટના અસરગ્રસ્ત 70 જેટલા મકાન માલિકો પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરશે.
23 નવેમ્બર, 2019 - અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજ્કેટથી રસ્તાઓ બ્લોક થવા પર વિવાદ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે જલ્દીથી જ પુરું થવા જઇ રહ્યું છે. પરંતુ, જો મહારાષ્ટ્રમાં શિવસેના- કોંગ્રેસ-NCP સતામાં આવે તો નેશનલ હાઇ-સ્પીડ રેલવે કોર્પ (NHSRCL) હેઠળના પ્રોજેક્ટથી બ્લોક થઇ રહેલા રસ્તાઓને અડચણરૂપ બની શકે તેમ છે.
19 સપ્ટેમ્બર, 2019- બુલેટ ટ્રેન: રાજ્ય સરકારના જમીન સંપાદનને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે 100 ખેડૂતોની અરજી ફગાવી
વડાપ્રધાન મોદીના સ્વપ્ન સમાન અમદાવાદ - મુંબઈ વચ્ચે 508 કીમી લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવે ખેડૂતોની માગ ફગાવી દીધી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવાથી કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાની ખેડૂતોની માગ હાઈકોર્ટે ફગાવી દીધી છે. જોકે ખેડૂતોને જમીન સંપાદન મુદ્દે યોગ્ય વળતર માટેનો માર્ગ ખુલ્લો રાખતા કોર્ટે યોગ્ય સતાધિશો સમક્ષ રજુઆત કરવાનો આદેશ કર્યો હતો.
30 જૂન, 2019 - બુલેટ ટ્રેન યોજના સંબંધિત PMOએ આપ્યો જવાબ, 54 હજાર વૃક્ષ કપાતા રોકવાની માગ !
ન્યૂઝ ડેસ્ક: મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લાંબા બુલટે ટ્રેન પ્રોજક્ટ યોજના અંતર્ગત કામ સંભાળી રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શનિવારે મેંગ્રોવના ઝાડ કાપવા સંબંધિત નિવેદન આવ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ગ્રીન એક્ટીવિસ્ટે આપેલી અરજી પર્યાવરણ વિભાગ પાસે મોકલી આપી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછા મેંગ્રોવના વૃક્ષને નુકશાન થાય તેના માટે ફરી વાર ડિઝાઈન બનાવી છે.
24 જૂન, 2019 - બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વેગ પકડશે, ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે જમીન સંપાદન
મુંબઈ-અમદાવાદ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખેડૂતોનાં વિરોધના કારણે વિલંબમાં મુકાયો હતો. પણ હવે આ પ્રોજેક્ટ સામેનો અવરોધ દુર થયો છે. પ્રોજેક્ટ પર કામ કરતી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે એવી આશા વ્યક્ત કરી છે કે, ડિસેમ્બર સુધીમાં જમીન સંપાદનનું કામ પુરૂ કરાશે.