અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા 9મી ઓક્ટોબરના શુક્રવારે ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના સાંસદ એહમદ પટેલ, પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશના નેતાઓ સંબોધન કરશે. 200 તાલુકામાં LED લગાવીને ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી રાજ્યમાં ફી માફી, ખેડૂતોના પ્રશ્નો સહિતના મુદ્દે યોજાઈ હતી.
રેલીમાં રાજ્યના જિલ્લા-તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો-નાગરિકો જોડાયા હતાં. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હમણાં જ અતિવૃષ્ટિ થઈ, જેમાં ખેડૂતોને નુકસાન થયું છે, સરકારે 15 દિવસમાં સર્વે કરીને નુકસાની વળતરની વાત કરી હતી. આજે એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચુકવાયું નથી. ઉલટાનું 50 ટકા ગુજરાતને આ સર્વેની કામગીરીમાં બાકાત કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, 250માંથી 123 તાલુકાને જ સર્વે કરવાની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે, એના કારણે મોટા ભાગના તાલુકાના ખેડૂતોમાં આક્રોશ છે. લોકડાઉનના કારણે લોકોની આર્થિત સ્થિતિ ખરાબ થઈ છે, લોકોની આવક ઘટી, નોકરીઓ છિનવાઈ ગઈ છે, ધંધા વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે, આવા સમયે પણ સરકાર વિદ્યાર્થીઓની એક આખા સત્રની ફી માફીની માગ સ્વીકારતી નથી, આંદોલનો થયા પણ સરકારે આજ દિન સુધી કાર્યવાહી કરી નથી.
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે, ચારેતરફ ગુંડારાજ ચાલી રહ્યું છે. જીએસટીના નામે વેપારીઓને નોટિસ મોકલાય છે, આ નોટિસ તોડ કરવાનું માધ્યમ છે. કોરોનામાં ખાનગી હોસ્પિટલો લૂંટ ચલાવી રહી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસની વર્ચ્યુઅલ આક્રોશ રેલી યોજી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના જાણીતા નેતાઓ ભાગે લીધો હતો. અમિત ચાવડાએ આ દરમિયાન રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે દેશ અને રાજ્યમાં ભાજપની સરકારના કારણે લોકોને અન્યાય અને અત્યાચાર થયો છે. દેશના લોકો હાલ આક્રોશમાં છે. ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં સરકારની ખેડૂત વિરોધી નીતિ છે. પાક વીમો મેળવવા ખેડૂતોઓએ લાંબી લડત લડી પણ પરિણામ શૂન્ય રહ્યું છે.
જન આક્રોશ રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ‘નમસ્તે ટ્રમ્પ’થી ગુજરાતમાં કોરોનાનું આગમન થયું હતું અને નમસ્તે ભાઉથી કોરોના ઘર-ઘર પહોંચ્યો. કોરોનામાં સરકાર પાસેથી આરોગ્ય સુવિધા મળવાની આશા નિષ્ફળ રહી છે. તેમજ મુસીબતના સમયમાં ભાજપના મળતિયાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. ભાજપના મળતિયાઓએ મહામારીમા માસ્ક, ઇન્જેક્શન, વેન્ટિલેટર અને ખીચડી કૌભાંડો કર્યા છે. ભાજપના નેતાઓએ મહામારીના સમયમાં પણ કૌભાંડ કર્યું છે. ખેડૂતો રસ્તા પર ઉતર્યા, કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો પણ સરકારને કોઈ અસર ના થઇ. બધા જ વર્ગના લોકોના અવાજને સરકાર સામે લાવવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, ભાજપ રૂપી કોરોનાને ગુજરાત જાકારો આપશે. ગુજરાતના ખેડૂત, વાલીઓ અને બેરોજગારોએ વેક્સીન શોધી લીધી છે. આગામી ચૂંટણીમાં એ વેક્સીન થકી ભાજપને જાકારો આપશે. પેટા ચૂંટણી કોના પાપે આવી છે તે અંગે પ્રજા પ્રશ્ન પુછે છે. પેટા ચૂંટણીમાં પક્ષ પલ્ટુને જાકારો આપજો અને પ્રશ્ન પૂછજો કેમ પાર્ટી છોડી?
કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં વિપક્ષીનેતા પરેશ ધાનાણીનું સંબોધન કરતા કહ્યું હતુ કે, ગુજરાતમાં દિવસ દરમિયાન 10 વખત બંધારણ સાથે ચેડાં થાય છે. ગુજરાતના વિદ્યાર્થીઓની ફી કોરોના મહામારીમાં પણ સરકાર માફ કરતી નથી. વડાપ્રધાન અને મુખ્યપ્રધાન હવામાં ઉડવા કરોડો રૂપિયા ખર્ચી શકે છે. ભગવાનને જેલમાં પૂર્યા અને જેલના લુખાઓ બજારમાં ટોળા કરે છે. તમામ 8 બેઠકો પર ગુજરાતનો યુવાન ભાજપના સુપડા સાફ કરશે. ગુજરાતની દીકરી આબરૂ બચાવવા સરકાર પાસે ન્યાય મેળવવા દર દર ભટકે છે. કૌરવોરૂપી લોકોએ સત્તાનું સુકાન સંભાળ્યું છે, તેને ગુજરાતની દીકરીઓ માફ નહીં કરે. કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ યુવાનોને સંબોધન કરતા કહ્યું હતુ કે, યુવાનોને આહ્વાન છે કે આવો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઓ. આપણે ગુજરાતમાં પરિવર્તન લાવી શકીશું. યુવાનોના સ્વાભિમાન સાથે ચેડાં થશે તો સરકારના 4 પાયામાંથી એક પણ પાયો બાકી નહીં રહે.