અમદાવાદઃ સમગ્ર દેશમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થઈ ચૂકયા છે, ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલ અને ઈજનેરી ક્ષેત્રમાં દેશની સારી ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવીને કારકિર્દી બનાવવા માટે JEE અને NEETની નેશનલ લેવલની પરીક્ષા આપવા માગે છે. જેના મેરિટના આધારે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુટમાં મેરિટ લિસ્ટ તૈયાર થાય છે.
કોંગ્રેસે આ પરીક્ષા લેવાવાના સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, દેશમાં 33 લાખ કોરોનાના કેસ છે. આ ઉપરાંત 60 હજાર લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જેથી કોરોનાના આ કપરા સમયમાં પરીક્ષાઓ કેવી રીતે યોજી શકાય?
કોરોના વાઇરસને કારણે 2 વખત જાહેર કરાયેલી આ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આ પરીક્ષાઓ સપ્ટેમ્બર મહિનામાં યોજવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ફક્ત કોરોનાના કારણે શિક્ષણની ગુણવત્તા સાથે બાંધછોડ કરી શકાય નહીં. જેથી સમગ્ર દેશના ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટરોએ પણ પરીક્ષા લેવામાં સહમતી વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો.
આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપવા તૈયારી બતાવી છે. કારણ કે, હમણાં જ ગુજરાતમાં સ્થાનિક લેવલની ગુજકેટની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી.