અમદાવાદઃ છેલ્લા 13 દિવસથી કોરોનાગ્રસ્ત થયેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની હાલત બુધવારથી વધુ નાજુક થઈ ગઈ છે. તેમને હવે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ભરતસિંહનો રિપોર્ટ 22 જૂને પોઝિટિવ આવતા તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં છેલ્લા 2 દિવસથી તેમની તબિયત વધુ નાજુક બની છે. ઓક્સિજન લેવલ ઓછુ થઈ જતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
ભરતસિંહ સોલંકીને છેલ્લા 2 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, 19 જૂને યોજાયેલી ચૂંટણીના દિવસે તેઓ અંદાજે 200 લોકો અને તે પૂર્વે થોડા દિવસ દરમિયાન ભરતસિંહ અન્ય કેટલાંક લોકોના સીધા સંપર્કમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, થોડાક દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાદુરસ્ત તબિયત જણાતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં ભરતસિંહ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેતા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો જોવા મળી રહ્યો હતો. ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે અનેક મોટા રાજકીય નેતાઓ પણ કોરોનાનો શિકાર બની ચૂક્યાં છે.