- સિમ્સ હોસ્પિટલ સામે ૨૦ લાખનાં ગોટાળાની ફરિયાદ
- સાત દિવસમાં કેસ વાઈઝ ખુલાસો મંગાવવામાં આવ્યો
- સંતોષકારક જવાબ નહીં મળે તો કરાશે પેનલ્ટી
અમદાવાદ: કોરોના મહામારીને અમદાવાદની અનેક ખાનગી હોસ્પિટલોએ કમાવવાની તક ગણી લીધી હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ સાથે જ કોર્પોરેશન હસ્તગત કરાયેલી હોસ્પિટલોમાંથી સૌથી વધુ ફરિયાદ સિમ્સ હોસ્પિટલ સામે થઈ છે. મહત્વનું છે કે, આ અંગે સિમ્સ હોસ્પિટલનાં બિલોની કોર્પોરેશનનાં ઓડિટ વિભાગે તપાસ કરતા 68 જેટલા બિલોમાં રૂ. 20 લાખની ભૂલો સામે આવી છે. આ રકમ વસૂલ કરવા માટે તંત્ર કેવા પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું.
તબીયત સ્થિર હોવા છતાં 31 દર્દીઓને એચડીયુ અને અને આઈસીયુમાં દાખલ કર્યા હતા
કોરોના મહામારી દરમિયાન ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે ખુબ જ મોટી રકમ વસૂલવામાં આવતી હતી. જોકે, સિમ્સ હોસ્પિટલમાં તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ ઉપરાંતની રકમ વસુલ થઇ રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેની તપાસ કરતાં જે દર્દીની તબીયત સ્થિર હોવા છતાં પણ તેમને એચડીયુ અને અને આઈસીયુમાં દાખલ કર્યા હોય તેવા 31થી વધુ કેસો સામે આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, સિમ્સ હોસ્પિટલ દ્વારા જરૂરિયાત વગરના દર્દીઓને આઈ.સી.યુમાં તેમજ વેન્ટિલેટર વોર્ડમાં પણ દાખલ કર્યા હતા. આ ગેરરીતિ પકડાઈ જતા મ્યુનિસિપલ કોર્પોરેશને શૉકોઝ નોટિસ ફટકારીને વધારાની રકમ વસૂલવા માટેની નોટિસ પણ પાઠવવામાં આવી છે.