- IB દ્વારા આપવામાં આવ્યુ આતંકી હુમલાનું એલર્ટ
- SOGની ટીમે ડોગ સ્કવૉડ સાથે હાથ ધર્યુ સરપ્રાઇઝ ચેકિંગ
- ભદ્ર સહિતના વિસ્તારમાં SOGનું ડોગ સ્કવૉડ સાથે ચેકિંગ
અમદાવાદઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ઇન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકી હુમલાનું એલર્ટ આપ્યુ છે. IBના એલર્ટ વચ્ચે અમદાવાદના ગીચ વિસ્તારમાં SOGની ટીમ દ્વારા ડોગ સ્કવૉડ સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. SOGની ટીમે ભદ્ર જેવા ભીડભાડ ધરાવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યુ છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીને લઇને IBએ આતંકી હુમલાને લઇને એલર્ટ આપ્યુ હતું. જેથી અમદાવાદમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ ભીડભાડ ધરાવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.
આગામી દિવસમાં ચેકિંગ વધારવામાં આવશે
શહેરમાં આગામી દિવસમાં દિવાળી જેવા તહેવારોને કારણે બજારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. અમદાવાદ પોલીસ હોટલ, મોલમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરશે. આ સાથે જ પોલીસની બાજ નજર અમદાવાદના ભીડભાડાવાળા વિસ્તારો પર છે, ત્યારે પોલીસે બોમ્બ ડિફ્યૂઝ અને ડિસ્પોઝિબલ સાધનો સાથે ચેકિંગ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે,ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા અવાર-નવાર આવા એલર્ટના મેસેજ આવતા રહે છે. અનેક વખત સુરક્ષા એજન્સીઓને આવા મેસેજની અવગણના કરવી ભારે પડી જાય છે, ત્યારે પોલીસે સાવચેતીના ભાગરૂપે તહેવારો પહેલા જ ચેકિંગ હાથ ધર્યુ છે.