અમદાવાદઃ શહેરના મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી મુકામે સવારે 09થી 11 વાગ્યા સુધી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુકતજીવન સ્વામીબાપા તથા ગુરુપરંપરાના સદ્ગુરુઓની ષોડ્શોપચારથી પૂજા કરવામાં આવી હતી. જેમાં પંચામૃત અને કેસરજળથી અભિષેક કરી તથા જનમંગલના પાઠ કરવામાં આવ્યા હતા.
ગુરુનું જીવનમાં શું મહત્વ છે તે અંગે જણાવતા કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોના ઋણ અંગે માત્ર “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ” જ થઈ શકે. આવા “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ”નું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, કોરોના વાઇરસના કારણે ઓનલાઈન સત્સંગ યોજાયો હતો. જેનો દેશ અને વિદેશના ભકતોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.આ ગુરુપૂર્ણિમાના પ્રસંગે કોરોના વાઇરસનો ચેપ કોઈને ન લાગે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.
ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો સોનેરી દિવસ. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યત્કિંચિત્ ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાં પણ કહેવાય છે.
‘ગુ’ કહેતાં અંધકાર એ ‘રુ’ કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે. ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે. એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે- ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે. ગુરુની અમી ભરી દૃષ્ટિથી આપણી મલીનતા દૂર થઈ જાય છે. અજ્ઞાન અંધકારનો, આસક્તિનાં ભરમારનો વિનાશ કરનારા અને ગુણોના ગૌરવનો વિકાસ કરનારા ગુરુ જ છે.
પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ગુરુની આજ્ઞાનું પાલન કેવી રીતે કરવું જાઈએ, તે માટે આપણા જીવનમાં એકલવ્ય, દાનેશ્વરી કર્ણ, રાજા હરિચંદ્ર, દાદાખાચર આદિ ભકતોના જીવન પ્રકાશના પૂંજ પાથરે છે. તેમની ગુરુ વિશેની નિષ્ઠા, ગુરુ અને ભગવાનના વચનમાં તન, મન અને ધન સમર્પિત કરવાની ધગશ આપણને પ્રેરણા આપે છે. આપણે સહુ કોઈએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ગુરુ અને ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર થવું જાઈએ.