અમદાવાદઃ 19 ઓગસ્ટે ATSએ પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા શાર્પ શુટરને હોટલના રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી હોટલમાં પ્રવેશ્યો અને બહાર ગયો તેમજ ATSની ટીમ દ્વારા ધરપકડ કરવા આવી તે તમામ ઘટનાના CCTV ફુટેઝ સામે આવ્યા છે.
આરોપી ઇરફાન 18 ઓગસ્ટે સવારે હોટલમાં પ્રવેશ્યો હતો, તે સમયે હોટલ મેનેજરે તેનું બેગ પણ તપાસ્યું હતું, જે બાદ ઇરફાન રૂમમાં ગયો હતો અને રૂમમાં જઈને પાછો બહાર આવીને ટેબલ પાસે ઊભો હતો. જે બાદ કોઈ કામ છે, તેમ કહીને બપોરના સમયે બહાર ગયો હતો અને સાંજે પરત ફર્યો હતો.
સાંજે આવ્યા બાદ મોડી રાતની તેની ફલાઇટ છે તેમ કહીને હોટલમાં રોકાયો હતો, ત્યારે ATSને જાણકારી મળતા ATSની ટીમ પણ ધરપકડ કરવા પહોંચી હતી. ATSના DIG હિમાંશુ શુક્લા, ક્રાઈમ બ્રાન્ચના DCP દીપેન ભદ્રન, DY.SP કે.કે.પટેલ અને બી.પી. રોજિયા પણ હોટલમાં પ્રવેશી મેનેજર પાસે ઊભા હતા અને તેની પૂછપરછ કરી રહ્યા હતા. જે બાદ હોટલ મેનેજરને બહાર જતું રહેવાનું કહીને ટીમ રૂમમાં પહોંચી હતી, તેમજ રૂમમાં પહોંચતા ઇરફાનને પકડતા તેને ફાયરિંગ કર્યું હતું. જેમાં કોઈ જાનહાની થઇ ન હતી, ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર બનાવમાં આરોપી શૂટર અને ATSની ટીમ કાર્યવાહી કરવા પહોંચી તે સમયના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હાલ શુટરને કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે, સાજો થતાં જ તેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવશે.