- ગુજરાતમાં આમ આદમી પાર્ટી બની રહી છે ભાજપનો વિકલ્પ ?
- પત્રકાર, પાટીદાર, એક્ટર અને હવે સંત પણ બન્યા ચાહકો
- ‘આપ’નું એક જ લક્ષ્ય ગુજરાત વિધાનસભા...
અમદાવાદ : આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party Gujarat ) માં બિઝનેસ મેન્સથી લઈને મોટા માથા કહી શકાય તેવા લોકો જોડાયા છે, અને ત્યાર પછી હજી પણ કેટલાય અગ્રણીઓ ‘આપ’માં જોડાવવા તલપાપડ છે. ભાજપ અને કોંગ્રેસમાંથી નારાજ થયેલા મોટા ભાગના અગ્રણી નેતા હોય કે કાર્યકર તે હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસનું નેતૃત્વ નબળું છે, તે બધા જાણે છે જેથી ‘આપ’ સિવાય કોઈ વિકલ્પ નથી. હવે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને નક્કી કરી લીધું છે કે મોદીના ગઢમાં ગાબડુ પાડવું છે.
અનેક મોટા માથા ‘આપ’માં જોડાયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયા જોડાયા બાદ તેમણે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જબરજસ્ત સફળતા મેળવી હતી. જેમાં 27 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા બાદ ‘આપ’માં જોશ આવી ગયો હતો. આ ઉપરાંત, પત્રકાર ઈસુદાન ગઢવી પણ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની હાજરીમાં જોડાયા હતા. આ સહિત, પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીની ટોપી પહેરી છે. તે બાદ ગુજરાતી એક્ટર વિજય સુંવાળા, કોંગ્રેસમાંથી નારાજ થયેલા હાર્દિક પટેલની ટીમના વિશ્વાસુ યુવા સાથી નિખિલ સવાણી સહિતના અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આથી, આમ પાર્ટી મોટી થઈ રહી છે.
સાવરણો ગુજરાત સાફ કરશે
વડતાલ તાબાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વલ્લભસ્વામીએ ધાર્મિક પ્રવચનમાં ચૂંટણીની વાત નીકળતા તેમાં દ્રેષ નહી રાખવા સલાહ આપી હતી, તેમાં તેઓ બોલ્યા હતા કે, દિલ્હીથી 2022માં સાવરણો ગુજરાતમાં આવવાનો જ છે, ગમે તેને સાફ કરી નાંખશે. આ નિવેદન પછી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આથી કહી શકાય કે, આમ આદમી પાર્ટીના ફેન્સમાં સંતોનો પણ ઉમેરો થયો છે.
આ પણ વાંચો: Surat: સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વલ્લભ સ્વામીએ કહ્યું, 'સાવરણો (ઝાડુ) 2022માં તો આવશે જ ગુજરાતમાં'
શું કહ્યું આમ આદમી પાર્ટીના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જએ
આમ આદમી પાર્ટીના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તુલી બેનર્જીએ ETV Bharatને જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરથી શરૂ થયેલી જન સંવેદના યાત્રાને લોકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. 28 જુલાઈએ અંબાજી ખાતે તેનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે. તેનો બીજો તબક્કો 06 ઓગસ્ટે શરૂ થશે. જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જઈને દાંડીએ પૂર્ણ થશે. દરરોજ પુરા ગુજરાતમાંથી 6 થી 7 હજાર લોકો પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. નામી-પ્રતિષ્ઠિત અને સોશિયલ એક્ટીવિસ્ટ લોકો જોડાઈ રહ્યા છે. પાર્ટી જમીનીસ્તરે કામ કરી રહી છે. જનતાની સાથે સંતોનો આશીર્વાદ પણ મળી રહ્યો છે. જનતા જ નક્કી કરશે કે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટી જીતશે.
‘આપ’નો વિસ્તાર થતા ભાજપ કોંગ્રેસે નોંધ લેવી જોઈએ
આમ આદમી પાર્ટીએ રાજનીતિ શરૂ તો કરી છે, પરંતુ ગુજરાત વિધાનસભા જીતવા માટે તેમણે ખૂબ મહેનત કરવી પડશે, તે માટે કમર તો કસી છે. સોમનાથથી શરૂ થયેલી જન સંવેદના મુલાકાત પ્રજા સાથે કનેક્ટ કરી રહી છે. આ દરમિયાન અનેક કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. જે ભાજપ માટે ચિંતાનો વિષય છે, અને કોંગ્રેસ માટે ચિંતન કરવાનો વિષય છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીએ હવે આમ આદમી પાર્ટીની નોંધ લેવી જ પડશે, તે દિવસો હવે દૂર નથી. ‘આપ’ નો વિસ્તાર જે રીતે થઈ રહ્યો છે, તેને જોતા આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિરોધપક્ષ બની જશે.