● ઓગસ્ટ મહિનામાં શરૂ થશે IRCTCની યાત્રાળુ ટ્રેન
● ભારત દર્શન ટ્રેન સપ્ટેમ્બર મહિનાથી
● મધ્યમવર્ગને પોષાય તેવા ટિકિટના ભાવ
અમદાવાદઃ કોરોનાવાયરસની બીજી લહેર બાદ ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા રાજકોટથી ત્રણ ભારત દર્શન અને યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા irctc ના રિજનલ મેનેજર વાયુનંદન શુક્લાએ જણાવ્યું હતું કે, આ બધી ટ્રેનનું આયોજન કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આયોજિત થશે. બધી ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ પરત આવશે. જેમાં વચ્ચે આવતા સ્ટેશનોનો સમાવેશ થશે.
IRCTCના એરટુર પેકેજ
આ ઉપરાંત IRCTC રીજનલ ઓફિસ અમદાવાદ દ્વારા એર ટૂર પેકેજો પણ શરૂ કરવામાં આવ્યા છે. જે આગામી મહિનાના ઓગસ્ટ માસથી માર્ચ દરમિયાન અમદાવાદથી રવાના થશે. તમામ પેકેજમાં હવાઈ મુસાફરી તેમજ રાત્રી રોકાણ માટે થ્રી સ્ટાર હોટલ અને પર્યટન સ્થળોએ લઈ જવા માટે એસી ટ્રાન્સપોર્ટ બસ સામેલ છે. જો કે એર ટ્રાવેલિંગ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત છે અને તે માટે જે તે રાજ્યના અને એરપોર્ટ ઓથોરિટીના નિયમોનું પાલન કરવાનું રહેશે.
કયા-કયા સ્થળો માટે મળશે સેવા
ભારત દર્શન ટ્રેન શિરડી, મહાબળેશ્વર, ગોવા, દક્ષિણ ભારત દર્શન, ગંગા દર્શન જેવા સ્થળોનો સમાવેશ કરે છે. જ્યારે યાત્રાળુ ટ્રેનોમાં ઉત્તર ભારત દર્શન, દક્ષિણ ભારત દર્શન, રામ જન્મભૂમિ તથા છપૈયાનો સમાવેશ થાય છે. આ ટ્રેન અંતર્ગત ઉજ્જૈન,મથુરા હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી, રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરુપતિ ,મૈસૂર, અયોધ્યા, છપૈયા, વારાણસી, પ્રયાગરાજ, શિરડી, નાસીક , પુણે, રામેશ્વરમ પુરી, ગંગાસાગર, કોલકાતા જેવા સ્થળોનો સમાવેશ થાય છે. જ્યારે હવાઈ યાત્રામાં લેહ- લદાખ, અંદમાન, કર્ણાટક, નોર્થ-ઇસ્ટ, સીમલા, મનાલી, કાશ્મીર અને કેરળનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ રૂ.8,505માં હવે કરો ભારત દર્શન, રેલવે વિભાગ લાવ્યું મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન