અમદાવાદઃ આજે દરેક મુદ્દા પર કોંગ્રેસ સરકાર સામે શિંગડા ભરાવી રહી છે. આજે ગુજરાતના લોકોને ખબર પડી રહી છે કે, ગુજરાતમાં પણ કોઈ વિરોધ પક્ષ છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્યની સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાઈરસને લઈને રાજ્ય સરકાર દ્વારા કરાયેલ વ્યવસ્થ્યઓને લઈને કરેલી ટકોરના સંદર્ભે ગુજરાત સરકારને ઘેરવા કોંગ્રેસના ગુજરાતના નેતાઓ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ વાતને ગુજરાત ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ એક રાજકીય સ્ટંટ ગણાવી હતી. તેમણે કોંગ્રેસની પ્રવૃત્તિઓને કોરોના વોરિયર્સ માટે હતાશા જનક બતાવી હતી.
બીજી તરફ ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટર પર ધમણ-1 વેન્ટિલેટરને લઈને ભાજપ પર જે પ્રહારો કર્યા હતા. તેના સંદર્ભમાં ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પરેશ ધાનાણી લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરેલ ફોટો ધમણ-1 વેન્ટિલેટર માટેના ઓર્ડર નથી. પરંતુ ક્વોટેશન છે.
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસને જણાવ્યું છે કે, કોરોનાની આ મહામારીમાં કોંગ્રેસે રાજકીય આક્ષેપો પ્રતિઆક્ષેપોથી ઉપર આવીને એકબીજાને મદદ કરવાનો વિચાર કરવો જોઈએ.