ગાંધીનગર: પ્રસિદ્ધ શિક્ષણવિદ, ચિંતક અને દેશની અખંડિતતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા ભારતીય જનસંઘના સ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ' ગાંધીનગર ખાતે તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને ભાજપ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષે વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણા સહુના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી ઉચ્ચ મૂલ્યો અને સત્યનિષ્ઠ આચાર-વિચારયુક્ત પ્રભાવશાળી વ્યક્તિત્વથી ભર્યું તેમનું જીવન દેશવાસીઓ માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે. ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના દેશ વિકાસ માટેના વિચારોને આત્મસાત કરી આપણે સૌ રાષ્ટ્રસેવા અને માનવસેવા માટે પ્રતિબદ્ધ બનીએ.
ઉલ્લેખનીય છે કે, જનસંઘના દરેક કાર્યક્રમમાં શ્યામાપ્રસાદ મુખર્જીનો ઉલ્લેખ હોય જ છે, પરંતુ કોરોના વાઇરસને ધ્યાનમાં લેતા આ વખતે તેમની જન્મજયંતિ ખૂબ સાદાઈથી ઉજવવામાં આવી હતી.