- સામાન્ય બજેટમાં લોકોના સ્વાસ્થ્ય પાછળ 2 લાખ કરોડનો ખર્ચ
- 35 લાખ કરોડનું બજેટ
- કોઈ વધારાનો ટેક્સ નહીં
અમદાવાદઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટનું કદ લગભગ 35 લાખ કરોડ રૂપિયાનું છે. બજેટ કોરોના કાળમાં ભારતની ઈકોનોમીને બુસ્ટ કરવા માટે ખૂબ જ મહત્વનું છે. આ બજેટ પર પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ કે જેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેઓએ જણાવ્યું હતું કે, બજેટમાં પ્રજાના સ્વાસ્થ્ય પાછળ 02 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. 2013-14ની સરખામણીએ પાછલા વર્ષોમાં ઘઉં અને ચોખા જેવા પાકોમાં MSP પાછળ અઢી ગણો ખર્ચ કરવામાં આવ્યો છે. કોઇપણ જાતનો ટેક્ષ ઉમેરવામાં આવ્યો નથી. જે ચર્ચાઓ ચાલતી હતી કે, એક વર્ષ માટે કોરોના ટેક્સ કે વેલ્થ ટેક્સ આવશે તેવું બન્યું નથી. 75 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટેક્સ રિટર્ન ભરવામાંથી મુક્તિ અપાઈ છે.
ગુજરાત માટે શું ?
અમદાવાદ સિટીને ઇન્ટરનેશનલ લેવલે બનાવવા માટે પ્રયત્ન કરાઈ રહ્યા છે. આ ઉપરાંત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને પણ આર્થિક રીતે મજબૂત બનાવી તેની સાથે સંકળાયેલ એક લાખ લોકોને રોજગારી મળે તેવા પગલાં લેવાઈ રહ્યા છે.