અમદાવાદઃ દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ તહેવારોની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. જેથી ધર્મગુરુ અને ધર્મ પ્રેમીઓની લાગણીઓ પણ દુભાઈ છે. શનિવારથી જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થવાનો છે, જેને લઇ તપોવન સંસ્કાર પીઠ દ્વારા જૈનો ભક્તિ સાથે અને આરાધના સાથે જોડાયેલા રહે તે હેતુસર ઓનલાઇન માધ્યમથી ભક્તિ ક્રિયા કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈ માધ્યમથી દેશ વિદેશ તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં જૈનો સામૂહિક ભક્તિ કરી શકે તેવા ઉદ્દેશ સાથે તપોવન સંસ્કાર પીઠના બાળકો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ તમામ આયોજન ગોઠવવામાં આવ્યું છે.
સોશિયલ મીડીયાના માધ્યમ પર સવારથી લઈને રાત્રી સુધી અલગ અલગ કાર્યક્રમો ઓનલાઇન બતાવવામાં આવશે. જેમાં ભગવાન મહાવીરની વાંચના અલગ-અલગ દ્રષ્ટાંતો સાથે જ પરમાત્માની સંવેદના સહિત પરમાત્માની ભક્તિ કરાવવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો ઘરે બેઠા-બેઠા ભક્તિ કરી શકે તેવા ઉદ્દેશ સાથે જ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
તપોવન સંસ્કાર પીઠના અગ્રણી અભય શાહે જણાવ્યું કે, વૈશ્વિક મહામારી સામે લડવું ખૂબ જ જરૂરી છે, સાથે જ વહેલી તકે કોરોનાની મહામારી સંપૂર્ણ રીતે નાશવંત થાય તેવા હેતુ સાથે પર્વાધિરાજ પર્યુષણમાં સતત આઠ દિવસ સુધી પરમાત્માની ભક્તિ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે તમામ લોકો ભક્તિ આરાધના કરવા માટે એકઠા થઈ શકે તેમ નથી જેથી તેને ધ્યાનમાં લઇ તપોવન સંસ્કાર પીઠ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે, તમામ લોકો ભક્તિ આરાધના અને પરમાત્મા સાથે જોડાયેલા રહે અને પર્વાધિરાજ પર્યુષણ પર્વની વિશિષ્ટ આરાધનાઓ કરી શકે.