અમદાવાદઃ કચ્છના રાપરના સામાજિક ક્રાંતિકારી તથા એડવોકેટ દેવજીભાઈની કરપીણ હત્યા થવાથી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રાજ્યના અનેક જિલ્લા અને તાલુકાઓમાં આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે. આવેદનપત્રોમાં મૃતક અને તેમના પરિવારને ન્યાય મળે તેવા માગ સાથે હત્યારાઓ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
ત્યારે સાણંદ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા વકીલ દેવજીની હત્યા કરનારા અને તથા આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ તથા તેમનો બચાવ કરનારાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી 6 માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં આ મુજબ માગ કરવામાં આવી છે
- હત્યારાઓ તથા આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.
- દેવજીભાઈ મહેશ્વરીનો ઈલાજ કરાવવા માટે મનાઈ કરનારી શુભમ હૉસ્પિટલનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે તથા હત્યા કરવામાં શુભમ હૉસ્પિટલનાં અધિકારીઓને સહ આરોપી બનાવવામાં આવે.
- આ ઘટના અંગેના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી તાત્કાલિક સુનાવણી કરવામાં આવે.
- દેવજીભાઈ મહેશ્વરીના પરિવારને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે.
- દેવજીભાઈ મહેશ્વરીના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તથા સરકાર દ્વારા ઓછામાં ઓછી રૂ.50 લાખની આર્થિક સહાય કરવામાં આવે.
- દેવજીભાઈ મહેશ્વરીના પરિવારને 5 એકર જમીન આપવામાં આવે.
આ સંપૂર્ણ માંગ સાથે બહુજન મોરચા દ્વારા સાણંદ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.