અમદાવાદ: ગત 32 વર્ષથી બ્લડપ્રેશર, 88 વર્ષની ઉંમરે કાર્ડિયાકની સારવાર અને એક વખત એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ પણ શહેરના 92 વર્ષના દાદાએ કોરોના સામે જંગ જીતી છે. આ જંગ જીતનારા દાદાનું નામ છે સુમનદાદા. સુમનદાદાને શ્રીજીબાવામાં અતૂટ શ્રદ્ધા હતી કે, તે તેમને કંઈ નહીં થવા દે. આ ઉપરાંત તેમને પોતાના પરિવાર પર પણ વિશ્વાસ હતો કે, તેમનો પરિવાર તેમની સાથે રહેશે. જેનાથી તેમને માનસિક હિંમત મળી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, કોરોનાને હરાવવામાં એસવીપી હોસ્પિટલના કર્મચારીઓ રાત-દિવસ તેમની સેવામાં ખડેપગે સારવાર કરી હતી.
સુમનદાદાને 10 એપ્રિલના રોજ એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમના પુત્ર નીતિનભાઈએ આ અંગે જણાવ્યું કે, સામાન્ય રીતે દર્દીઓ કોરોના થયો હોવાની વાત સાંભળતા જ અડધી હિંમત હારી જતા હોય છે, ત્યારે પિતાજીએ મનથી સ્વીકાર્યું કે, તેમને કોરોના થયો છે અને તેની સામે લડવાનું છે. એટલું જ નહીં, જીતવાનું પણ છે. જેથી હોસ્પિટલના કર્મચારીઓની કાળજી અને પિતાજીનો આત્મવિશ્વાસ રંગ લાવ્યા. જો મનમાં આ વિશ્વાસ કેળવવામાં આવે, તો ખરેખર આ બીમારીમાંથી ઝડપથી સ્વસ્થ થઈ શકાય તેમ છે. મારી પત્ની વત્સલા, જે ખુદ પણ એક ડૉક્ટર છે. તેને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને આજે એ પણ સ્વસ્થ થઈને અમારી સાથે જ છે.
આ બધાની વચ્ચે સૌથી વધુ સુમનદાદાની 16 વર્ષની પૌત્રી છે. જેના જન્મદિવસે જ દાદા સ્વસ્થ થઈને હોસ્પિટલેથી ઘરે પરત આવ્યા છે. જેથી તેમની પૌત્રી આને આટલાં વર્ષની સૌથી શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ માને છે.