- ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પર અર્જુન મોઢવાડિયાનો મોટો આરોપ
- ગુજરાતમાં ભાઈનું નહિ ભાવુનું ચાલે છે
- સી.આર પાટીલના ગુનાહિત ઇતિહાસ પર પણ મોઢવાડીયા ચાબખા
- પાટિલ દારુની ગાડીઓનું પાયલોટિંગ કરતા હતા એટલે સસ્પેન્ડ કરાયા
અમદાવાદઃ કોંગ્રેસના આગેવાન અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ પોલીસ કોન્સ્ટેબલ હતા. ત્યારે દારુની ગાડીઓનું પાયલોટિંગ કરતા હતા એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓ સૌથી વધુ પોલીસ કેસ ધરાવતા રાજકીય નેતા છે અને એટલે જ તેમને પક્ષપ્રમુખ બનાવાયા છે.
તેઓના પર 107 પોલીસ કેસ નોંધાયા છે. તેઓ બેન્ક કૌભાંડમાં જેલની સજા કાપી ચૂક્યા છે. પાટીલ એક વર્ષ જેલમાં પણ રહી આવ્યા છે. આ છે ભાજપના પ્રદેશ પ્રમુખનું ક્વોલિફિકેશન અને આવા પ્રદેશ પ્રમુખના નેજા હેઠળ શું ભાજપ તમને આપશે સ્વચ્છ શાસન.
ભાજપ પ્રમુખ સી.આર પાટીલે વળતો જવાબ પણ આપ્યો
ગુજરાત વિધાનસભાની આ બેઠકોની પેટાચૂંટણીમાં બંને પક્ષનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. અર્જુન મોઢવાડિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પર પ્રહાર કર્યા પછી સી.આર.પાટીલે તેનો વળતો જવાબ આપતા જણાવ્યું કે કોંગ્રેસના સમયનું શું સ્થિતિ હતી તે બધા જાણે છે. તે સમયે ફક્ત ભ્રષ્ટાચાર જ હતો, કોઈ કામ થતા ન હતા. અમે લોકોને મદદરૂપ નીવડે તેવી યોજનાઓ લાવ્યા હતા. આજે ગુજરાતમાં અમારી સત્તા પ્રજાકીય કાર્યોના લીધે છે. કોંગ્રેસે ફક્ત ગરીબી હટાવોના સૂત્રો આપ્યા છે, જ્યારે અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કર્યુ છે. આજે કોંગ્રેસ રાજ્યમાં તળિયે છે તેનું આ જ કારણ છે.